પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

૨), તદબીર (પૃ. ૨), ફિરકા (પૃ. ૩), આમીન (પૃ. ૪), દરબદર (પૃ. ૫), મિસ્કીન (પૃ. ૭), બિસ્મિલ (પૃ. ૧૪), મરુભૂમિના બાશિંદા (પૃ. ૨૩), હિકમત (પૃ. ૧૦૨) પણ લેખકે પ્રયોજ્યા છે.

ગદ્યશૈલીની દૃષ્ટિએ તપાસીએ તો શૈલી નવલકથામાં મોટે ભાગે નોંધનીય રહી છે. ટૂંકાં અને કાવ્યમય વાક્યો, ઉર્દૂ અને સંસ્કૃતમિશ્રિત શબ્દપ્રયોગો, રસળતી પ્રવાહી ગતિ, ક્યારેક કાવ્યાત્મક બનતું ગદ્ય વગેરેની શૈલી ઉલ્લેખનીય બની છે. કાવ્યમય ગદ્યથી ભર્યું ભર્યું નવલકથાનું ‘બુલબુલનું રુદન’ પ્રકરણ એમાંની ગદ્યની લઢણથી મઢાઈ રહે એવું બન્યું છે.

ગદ્યકાર જયભિખ્ખુની ઉપમાઓ એમની પ્રત્યેક કૃતિમાં આગવું રૂપ ધરીને આવે છે. એનો ઉલ્લેખ કર્યા વગર રહી શકાય જ નહીં ! જેમકે સૌન્દર્યભરી પ્રતિમાની ભ્રકુટિ શો ચંદ્ર (પૃ. ૮), સરુના ઝાડ જેવી કાયા (પૃ. ૧૦), આકાશની રંગબેરંગી વાદળી શું સપ્તરંગી ઓઢણું (પૃ. ૧૦), ધોળી પૂણી જેવો ચંદ્ર (પૃ. ૧૭૫), ભૂતના પગ જેવી લાંબી રાતો (પૃ. ૧૯૨), ચાંદીની છીપ જેવી વાદળીઓ (પૃ. ૧૯૬), લીલી વરિયાળી જેવું તાજું ઘાસ (પૃ. ૧૯૬), તીરની ફણા જેવાં કાતિલ નયનો (પૃ. ૧૯૬), મરુભૂમિના અનંત રજકણો જેવી રજપૂત શક્તિ (પૃ. ર૧૨), કુંદનના ફૂલ જેવી રાજકુંવરી (પૃ. ૨૧૭), કતાલજ્વર જેવો કલિંજરનો કિલ્લો (પૃ. ૨૨૨), હેમની દીવી જેવો રૂપાળો હાથ (પૃ. ૨૨૬), છરીની ધાર જેવા નયનો (પૃ. ૨૨૮), શ્વેત મેઘમાળ જેવું પારદર્શક વસ્ત્ર (પૃ. ૨૪૦), ધોળી માછલી જેવી આંખો (પૃ. ૨૪૧), ષડ્જ રાગના રંગ જેવો... લાલ કમળના પત્ર જેવો પાલવ (પૃ. ૨૪૧), કામદેવના બાગ સમી ચિંતામણી (પૃ. ૩૦૧), કાવ્યની સુંદર પંક્તિ જેવું સોનેરી ટપકીવાળું વસ્ત્ર (પૃ. ૩૦૧), ખંજરની ધાર જેવા ચિંતામણિનાં નેત્રો (પૃ. ૩૦૫), વસંત જેવો ચહેરો, કસ્તુરી મૃગ જેવી કમર, બાગનાં બે નરગીસ ફૂલ જેવી આંખો, તરાઝ શહેરમાં બનેલી કમાન જેવાં ભવાં, કાગડાથી યે કાળી પાંપણ, નખશીખ હાથીદાંત જેવી યુવતી (પૃ. ૩૧૩), ધીરજના અખૂટ ઝરા જેવો બાદશાહ (પૃ. ૩૧૪). પુષ્પમાંથી સુગંધ પ્રગટે એમ નવલકથાના રંગરૂપ દ્વારા કોમી એખલાસનો અનુપમ સંદેશ આપતી આ નવલકથાનું અનુસંધાન ‘ભાગ્યનિર્માણ’રૂપે આપણને મળે છે.