પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૮૬ ]


૧૨

'આજે મારી અવસ્થા પચાસ વર્ષ વટાવી ગઇ છે. પરંતુ તમારામાંથી કોઈ પણ માઇનો પૂત હોય તો ચાલ્યો આવે ! કાં હું એનો હાથ પકડું, ને એ છોડાવી દે, અથવા હું મારો હાથ અક્કડ રાખું તે કોઇ વાળી આપે. ચાલ્યા આવો, હું બ્રહ્મચર્યનો પરચો બતાવું.'

ગુજરાનવાલાની એ ગંજાવર સભામાંથી એક પણ શીખ બચ્ચો, એક પણ મલ્લરાજ મહર્ષિજીનો આ પડકાર ઝીલવાની હામ તે દિવસે ભીડી શક્યો નહોતો.

મેરઠ નગરમાં મહારાજે શ્રાદ્ધનું ખંડન કરનારૂં એક જાહેર ભાષણ દીધું. તેથી ત્યાંના શ્રાદ્ધ-લોલૂપ લાડુભટજીઓ ખીજાયા. જે માર્ગથી સ્વામીજી પોતાના ઉતારા પર જવાના હતા તે માર્ગે ડાંગો લઈ લઈને અલમસ્ત બ્રાહ્મણો ઓડા બાંધી બેસી ગયા. કહેવા લાગ્યા કે “આજ દયાનંદ નીકળે તો જીવતો ન જાય.”

સ્વામીજીના પ્રેમીઓને આ વાતની જાણ થઇ. વ્યાખ્યાન પૂરું થયે ભક્તોએ વિનવ્યું કે 'મહારાજ ! થોડીવાર ઠેરી જાઓ. રસ્તે જોખમ છે.'

હસીને સ્વામીજી બોલ્યા 'ના રે ના ! એ બાપડા કશું યે કરી શકવાના નથી, હું તદ્દન બેધડક છું. ને વળી મેં એક માણસને અત્યારે સમય આપ્યો છે, એટલે હું રોકાઇ ન શકું.'

એમ કહી એજ ગલ્લી વટાવીને મહારાજ પોતાની હંમેશની ગંભીર ગતિથી ચાલ્યા ગયા. ડંડાબાજો એક બીજાના મ્હોં સામે જોતા રહ્યા. કોઇએ ઉચ્ચાર સરખો ન કર્યો.

૧૩

'સ્વામીજી ! ભલા થઇને જોધપૂર જવાનો વિચાર છોડી દો. એ લોકો આપને ઈજા કરશે.'

'મારાં આંગળાને જલાવીને મશાલ બનાવે તો યે શું ? હું જરૂર જરૂર જઇશ, અને સત્યનો સંદેશો આપીશ.'

ગયા. પાખંડ ઉપર વજ-પ્રહારો, કર્યા. કશી ઇજા વગ૨ પાછા આવ્યા.