પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રખવાળ : ૧૦૭
 


મહાશ્વેતાનું સ્ત્રીહૃદય ઘવાયું. એમણે કશો ય જવાબ ન આપ્યો. પોતે પતિને પૈસે સુખ-સગવડ ભોગવે છે એનું પોતાની જાતને ઉતારી પાડતું ભાન પણે તેમને થઈ આવ્યું. બદલામાં તેમના ગૃહને તેઓ શોભાવતાં હતાં... પણ એ તો ગમે તે સ્ત્રી કિશોરલાલની પત્ની થઈને આવી હોત તો શોભાવી શકત !

અને... કિશોરલાલે પણ આ બાહ્ય સુખસગવડ સિવાય મહાશ્વેતાના કયા હૃદયવિભાગને પૂર્ણ સંતોષ આપ્યો હતો? તેના સ્ત્રીત્વને સંતુષ્ટ કરે એવું કિશોરલાલમાં શું હતું? બળ? વીરત્વ? સંસ્કાર...?

'ખોટું લાગ્યું ?' કિશોરલાલે મહાશ્વેતાને મનાવવા માંડ્યાં.

'ના, ના, તમારી ઉપર ખોટું લગાડાય ?' પત્ની તરીકેનું સતીત્વ અને અન્નદાતા પ્રત્યેના ઉપકારને પ્રગટ કરતાં મહાશ્વેતાએ જવાબ વાળ્યો. પરંતુ તેમની નજર બહાર બંદૂક સાથે ઉભેલા ઊંચા પડછંદ રખવાળ ઉપર પડી. આખી સૃષ્ઠિનો એ માલિક હોય એવા રૂઆબથી ઊભેલા એ પરદેશીમાં કાંઈક એવું હતું જે કિશોરલાલની આખી ધનદોલતમાં કે એના દેહમાં ન હતું. ખાતરી કરવા મહાશ્વેતાએ કિશોરલાલ તરફ જોયું.

મહાશ્વેતા મનાઈ એમ ધારી કિશોરલાલ હસ્યા. એમના હાસ્યમાં મહાશ્વેતાને કમકમી આવે એવું કાંઈ લાગ્યું. કિશોરલાલ ધનિક હતા; પરંતુ એમનું પુરુષત્વ ધનના ઢગલા નીચે કચરાઈ છુંદાઈ ગયેલું લાગ્યું. પહેલાં કિશોરલાલ મોડા વહેલા આવે, ભાન સહિત કે ભાન રહિત આવે, પોતાની સાથે બોલે અગર ને બોલે એનું ભારે મહત્ત્વ મહાશ્વેતાને હતું. આજથી – પ્રચંડ રખવાળનો દેહ દીઠા પછી – મહાશ્વેતાને લાગ્યું કે કિશોરલાલ જેવો પુરુષ એના જીવનમાં હવે નિરર્થક ઉપસ્કર જેવો છે ! પતિ હોય તોપણ !