પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪: કાંચન અને ગેરુ
 

નિરર્થક નીવડે.

શબ્દથી જવાબ ન આપતાં સુશીલાએ અત્યંત ભાવપૂર્વક છબી ઉપાડી મારા હાથમાં મૂકી દીધી, અને મારી જિંદગીમાં નહિ લાગ્યો હોય એવો ધક્કો મને લાગ્યો.

એ છબી તો મારી જ હતી ! મેં સ્વપ્ન પણ ધાર્યું ન હતું કે મારા સરખા ક્રૂર, નિષ્ઠુર, બેજવાબદાર પતિની છબી એ આટલા સદ્ભાવથી પૂજતી હશે. થોડી ક્ષણ સુધી મારી વાચા બંધ થઈ ગઈ. મને મારા ઉપર ભયંકર તિરસ્કાર આવી ગયો. અંતે બળ કરી મેં પૂછ્યું : 'સુશીલા ! ક્યારથી તું આ છબીને પૂજે છે?'

'હું પરણી તે દિવસથી.'

'આજ પણ તું એ છબીમાં પ્રભુ જુએ છે?'

'હા.' નીચું નિહાળી સુશીલાએ જવાબ આપ્યો.

'તારી ભયંકર ભૂલ થાય છે એમ તને નથી લાગતું ?' આછા તિરસ્કારપૂર્વક મેં પૂછ્યું.

'ના; મને ખાતરી છે કે એક દિવસ મારા પ્રભુ મારી સેવા ઉપર પ્રસન્ન થશે જ.'

હું સુશીલા સામે જોઈ રહ્યો. એના સૌંદર્ય સામે મેં આજ સુધી કેમ આંખ બંધ કરી હતી? એની પવિત્રતાને આજ સુધી હું કેમ ઓળખી શક્યો ન હતો ? એની સહિષ્ણુતા ને એની ઉદારતા નિહાળવાની દષ્ટિ આજ સુધી હું કેમ ગુમાવી બેઠો હતો ?

'સુશીલા ! પ્રભુ તો કોણ જાણે, પણ તું મને પશુને માણસ જરૂર બનાવી રહી છે!'

સુશીલાની આંખમાંથી આંસુની સેર વહી રહી. એનાં ઝળઝળિયાં મેં ઘણી વાર જોયાં હતાં, પરંતુ એનાં આંસુની સેર મેં આજ નિહાળી. મને બહુ ઈચ્છા થઈ કે સુશીલાને હું મારા બાહુમાં લઈ લઉં. પણ મારી એ હિંમત ચાલી નહિ; હજી હુ સુશીલાને લાયક બન્યો ન હતો. મેં માત્ર તેનાં આંસુ મારી આંગળી વડે લૂછ્યાં !