પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડબામાંની ગાય

હું સામાન્ય સ્થિતિનો માનવી. મારું નાનકડું ઘર; પણ આસપાસ થોડી ખુલ્લી જમીન ખરી. સામાન્ય માનવીને પણ પોતાના નાનકડા શોખ તો હોય જ ને? ઘર આસપાસની ખુલ્લી જમીનમાં હું કૂલઝાડ રોપું છું, ક્યારીઓ બનાવું છું, વેલીઓની રચના કરું છું. અને જુદાં જુદાં ફૂલ ઊગે એવા પ્રયોગ પણ કર્યે જાઉં છું. મને એમાં ખૂબ મોજ આવે છે. પ્રાણી સિવાયની સૃષ્ટિમાં જીવ કેમ આવે છે, સૌન્દર્ય કેમ ખીલે છે, એ સૌન્દર્ય કેમ સચવાય છે, અને સાચવણી છતાં નષ્ટ બની ગયેલાં સૌન્દર્ય બીજાં નવાં સૌન્દર્યો કેમ ઉપજાવે છે, એ નિહાળવામાં મને બહુ આનંદ આવે છે.

એમાં મહેનત છે; પણ તે હું ભૂલી જાઉં છું. ગુલાબી ગુલાબના છોડ ઉપર કલમ બાંધી મેં એક જાંબુડિયો ગુલાબ ઉપજાવ્યો ત્યારે આમાં આનંદનો પાર રહ્યો નહિ. એમાંથી સુવાસ જતી રહી; પણ અવનવો રેશમી રંગ આવ્યો. માળી પણ પુષ્પસૃષ્ટિનો બ્રહ્મા જ છે ને? નોકરી કરી મારું ગુજરાન હું કરતો હતો છતાં મને બગીચાના માળી બનવું ગમતું મારો બગીચો એ મારું અભિમાન – મારું ગૌરવ !