પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬: કાંચન અને ગેરુ
 

ધર્મ અને ઈશ્વર સરખા માનવસમાજના ભારે નશાનો ભોગ બની ગઈ હતી !

માતાને એ બોધ કરે, માતાને એ દલીલોથી મહાત કરે, માતાને સુમાર્ગે વાળે, એવી શક્તિ તેનામાં આવી ગઈ હતી અને વખતોવખત એ શક્તિનો અશોક ઉપયોગ પણ કરતો હતો. છતાં માની ઈશ્વરસેવા હળવી બની નહિ. એમાં એ પ્રત્યાઘાતી માનસની જડતા નિહાળતો હતો. બી.એ.ની પરીક્ષા ઊંચી કક્ષામાં અશોક પસાર થયો ત્યારે માતાથી બોલાઈ ગયું : 'હે પ્રભુ ! તેં મારી લાજ રાખી. દીકરા ! ભગવાનને પગે લાગી આવ.'

'મા ! હું ભગવાનમાં માનતો નથી. એ રમકડાંને પગે લાગવાનું પાપ મારાથી નહિ થાય.'

માએ કાંઈ જવાબ ન આપ્યો.

પુત્ર હવે કાંઈ ધંધે લાગશે એટલે માતાનું જીવન સાર્થક થશે એવી આશામાં તેણે પુત્રનો ભગવાન પ્રત્યેનો અભાવ ચલાવી લીધો. પુત્રમાં બીજો કાઈ દોષ ન હતો એમાં એણે પ્રભુની વધારે કૃપા માની.

પરંતુ આસપાસનાં પાડોશીઓ પાસેથી જ્યારે સુનંદાએ સાંભળ્યું કે અશોક બહારવટિયા જેવી છુપી પ્રવૃત્તિમાં પડ્યો છે અને એને પોલીસ પકડવાની છે ત્યારે એણે અશોકને પૂછ્યું : 'ભાઈ ! નોકરીનો પ્રયત્ન કરવો નથી ?'

'મા ! મારી નોકરી આખી માનવજાતને મેં સમર્પી છે.'

'પણ એમાં તને મળવાનું શું ?'

'માનવજાતની મુક્તિ ! અગર કેદખાનું, દેશવટો કે ફાંસી!' અશોકે કહ્યું. અર્ધભણેલી, સામ્યવાદને ન સમજનારી માતા સમજી શકે એવી શૈલીમાં એણે સામ્યવાદ સમજાવ્યો, અને સાચું પુણ્ય એમાં જ રહેલું છે એવી અસરકારક દલીલ પણ એણે કરી.

માતાને જેટલી સમજ પડી એટલાનો જવાબ એણે વાળ્યો :