પૃષ્ઠ:Karanghelo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૧૩૨ )

લુગડાંમાં ભરાયા હશે, એમ જાણી તેણે તે સઘળાં ઉતારી ખંખેરી નાંખ્યાં, અને તેને પાછાં પેહેરી તે મુડદાને પગ વતી હડસેલતો કિનારા ઉપર લઇ ગયો. તેનો વિચાર તેને ધોઈ નાંખી સાફ કરવાનો હતો, પણ જેવો તે તેને પાણીમાં ગબડાવે છે એટલે તેના પગે કોઈ જાનવરે બચકું ભર્યું. રજપૂત તો દરદથી બે હાથ ઉંચે ઉછળ્યો, અને પાછો તેને જોવા જાય છે તો મુડદું તેને ઘસડાતું લાગ્યું. તે જ વખતે ત્યાં એક મોટો ભડકો થયો; અને તે તેના શરીર ઉપર વિંટળાઈ જશે, એમ લાગ્યાથી તે ત્યાંથી ઉભી પુંછડીએ નાઠો. મુડદું તો ઘસડાતું ચાલ્યું. તેની પાસે જવાની તેની હિમત ચાલી નહીં. હાય ! સઘળી મેહેનત નિષ્ફળ ગઈ, આ તો કોઈ ભૂત અથવા પિશાચ તેને લઈ જાય છે, હવે હું શું કરું ? એમ રજપૂત ઉભો ઉભો વિચાર કરવા લાગ્યો, પણ તેણે પોતાનું અંત:કરણ પથ્થર જેવું કઠણ કીધું હતું; બીક તે ઘેર મુકી આવ્યો હતો; તથા ગમે તે થાય તો પણ પોતાનું કામ પાર પાડ્યા વિના તે ઠેકાણેથી ન જવાનો દૃઢ નિશ્ચય કીધો હતો, તેથી તે પોતાની નામર્દાઇથી શરમાયો, અને તે મુડદાને પકડી લાવવાને તે આગળ ધસ્યો. વિજળીનો એક મોટો ચમકારો થયો તેમાં તેને માલમ પડ્યું કે મુડદાને ઘસડનાર તો એક શિયાળવું હતું. હવે તેની દેહશત ઉડી ગઈ. તેને પગે એક પથ્થર અથડાયો તે ઉંચકી લઈ જે દિશા તરફ મુડદું ઘસડાતું હતું તે દિશા તરફ જોરથી ફેંક્યો. એક મોટી ચીસ સંભળાઈ, કોઈ દોડતા જનાવરનાં પગલાં કાને પડ્યાં, ને મુડદું ઘસડાતું બંધ થયું. ત્યાં જઈ તેને પાછું પાણીમાં તેણે હડસેલી મૂકયું અને તેને સુસવાટ ઘસડી ન જાય માટે પોતે ત્યાં ઉભો રહ્યો. પાણીમાં વારેવારે ધબાકા થયાં કરતા હતા. માછલાંની પાંખમાંથી ચળકાટ વખત થતો, અને વખતે સાપની ડોંખલી પાણી આગળથી સંભળાતી હતી. થોડી વાર ઉભા રહ્યા પછી તેને લાગ્યું કે હવે મુડદા ઉપરના કીડા ધોવાઈ ગયા હશે, તથા તે ઉપરનું મટોડું તથા કચરો સાફ થયો હશે. રાત થોડી અને વેશ ઘણા, માટે તેને ઘણી ચટપટી થતી હતી, અને પોતાની ધારેલી મતલબ પાર પડશે કે નહી, એ વાતની ફિકરથી તેને સઘળું