પૃષ્ઠ:Karanghelo.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૧૮ )

ભોંય ઉપર દિલાસારૂપી ઓસનાં ટીપાં પડ્યાં, અને આફતનો શેતાન તેને ઉપદ્રવ કરતો હતો તેમાંથી તેનું રક્ષણ કરવાને બે ફિરસ્તા જાણે આકાશમાંથી ઉતર્યા.

જ્યારે કૌળારાણીએ મેહેલને આગ લગાડી ત્યારે તેની બે નાની દીકરીઓ કનકદેવી તથા દેવળદેવીને તેણે એક ચાકરને સોંપી પોતાના બાપ પાસે ઝાલાવાડમાં મોકલી હતી. રસ્તામાં તે ચાકરને ખબર મળી કે કરણ રાજા હજી જીવે છે, તથા તે બાગલાણમાં રહેલો છે, તે સાંભળીને તેણે તેનો રસ્તો બદલ્યો, અને તેના મહાભારત દુઃખમાં તેની પુત્રીઓના મેળાપથી તેને જે સુખ થશે તે ઉપર વિચાર કરીને, તથા છોકરીઓ ઉપર માના બાપ કરતાં પોતાના બાપનો વધારે હક્ક છે, એમ જાણીને તેઓને તેની પાસે લઈ જવાને નીકળ્યો. રસ્તામાં ઘણીએક અડચણો ભોગવીને તથા ઘણાંએક સંકટોનું નિવારણ કરીને અંતે તે બાગલાણના કિલ્લા પાસે સહીસલામત પહોંચ્યો, અને કરણ રાજાની બે બાથમાં તેની કુમળી વયની બે દીકરીઓ ભરાઈ. આવી વખતે આવી અવસ્થામાં બાપ તથા દીકરીઓનો મેળાપ થયો તે વખતે તે દુર્ભાગ્ય રાજાને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન થઈ શકતું નથી. મોટી છોકરી આઠ વર્ષની હતી, તે ઘરમાં સઘળું સ્ત્રીનું કામકાજ કરતી, અને તેની સંભાળથી તથા તેની ઘરબાબતની સઘળી ગોઠવણથી કરણ રાજાના ઘા ધીમે ધીમે રૂઝાવા લાગ્યા, અને તે કેટલીક વાર પછી બિલકુલ સારો થયો, માણસના સુખને વાસ્તે બઈરાં કેટલાં અગત્યનાં થઈ પડે છે તે જ્યાં તેમની ખોટ પડે ત્યાં જ જાણવામાં આવે છે, તેઓનો ઉપયોગ ઘણા લોકો બરાબર સમજતા નથી, તથા તેઓની કિમ્મત જોઈએ તેટલી તેઓ કરતા નથી, પુરૂષ અને બઈરીના ગુણોમાં પરમેશ્વરે મોટો તફાવત રાખેલો છે. અગરજો કેટલાએક માણસોમાં બઈરાના ગુણો અને કેટલીક સ્ત્રીઓમાં માણસના હોય છે, તો પણ તેઓ સાધારણ નિયમથી ઉલટાં છે. સામાન્ય નિયમ તો એવો છે કે પુરૂષોમાં કામકાજ કરવાના અને એવા બીજા સખત ગુણો હોય છે, અને સ્ત્રીઓમાં સહન કરવાના અને નરમ ગુણો માલમ