પૃષ્ઠ:Karanghelo.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૨૯૩ )

તેઓ પોતાના ધારેલા કામથી બંધ પડ્યા. પણ તેઓનો ક્રોધ હજુ સુધી શમ્યો નહતો. તેઓની પાસે એક ઉપાય તૈયાર જ હતો. જો તેઓ સઘળા મળી શેહેરના દરવાજા ઉઘાડી નાંખી મુસલમાનેને અંદર આવવા દે તો તેઓના દુ:ખનું તુરત નિવારણ થાય. પણ તેમ તેઓએ કીધું નહીં. એ પ્રમાણે દગલબાજી કરવામાં ઘણી ગેરઆબરૂ છે, એમ તેઓ સારી પેઠે જાણતા હતા. તેમ કરવાથી જે પરિણામો નીપજે તેને વાસ્તે તેઓ ઘણાં દીલગીર હતા. તેટલા માટે જ આટલું બધું કષ્ટ તેઓએ સહ્યું; દુકાળ અને મરકી પોતાના શેહેરમાં આવવા દીધા, પોતાનાં વહાલામાં વહાલાં માણસોને પોતાની નજર આગળ પીલાઈપીલાઈને આવા ભયંકર મોતે મરતાં જોયાં, તથા પોતાના મોતને વાસ્તે પણ કાંઈ દરકાર રાખી નહી. તેઓએ તેઓના હાથમાં રહેલો ઉપાય કામે લગાડ્યો નહી. તેઓનો આ વિચાર જોઈને આપણને ખરેખરું આશ્ચર્ય લાગવું જોઈએ, અને તેમના પ્રતિષ્ઠા જાળવવા વિષેના એવા ઉમદા વિચાર જોઈને આપણે વિસ્મિત થયા વિના રહેતા નથી. આટલી બધી વાર તેઓએ આવા વિચાર રાખ્યા, પણ હવે તેઓનું મન બદલાયું અને કેટલાએક હલકા લોકોએ ઠરાવ કીધો કે હવે શેહેરના દરવાજા ઉઘાડા મૂકી દેવા, અને આ દેવકેાપનો એકદમ અન્ત આણવો. વળી આપણે ઈહાં રહીને પણ શું કરી શકીએ છીએ ? આપણામાં હવે લડવાની કાંઈ શક્તિ રહી નથી. કરણ અને ભીમદેવનું લશ્કર ઘણુંખરું સઘળું મરી પરવાર્યું છે, અને જો કોઈ જીવતા રહ્યા હશે તેઓની અવસ્થા હાલ લડવા લાયક રહી નહી હોય, માટે હવે દરવાજો બંધ રાખ્યાથી ને પડી રહેવાથી વધારે માણસોનો નાશ થાય છે પણ તેથી કાંઈ કામ સિદ્ધ થાય એવો સંભવ નથી. માત્ર તેથી વખત વધારે મળે છે, પણ એટલા વખતના જુજ ફાયદાને માટે માણસોના અમૂલ્ય જાનની ખરાબી થાય, એ કાંઈ વાજબી નથી, એ ઉપરથી તેઓએ ઠરાવ કીધો કે એ સઘળી વાત કરણને જઈને કહેવી, ને તેને કાને નાંખીને એ કામ કરવું.

એ વિચાર પ્રમાણે ઘણાએક માણસો એ કિલ્લામાં જઈ કરણની આગળ સઘળી હકીકત કહી, અને હવે શેહેરમાં શત્રુઓને આવવા