પૃષ્ઠ:Karanghelo.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
( ૬૦ )

માધવને હવે નક્કી થયું કે માતાજી મને સહાય થશે, માટે કાલ સવારે ઉઠીને તેનાં દર્શન કરવા જવું, પછી ત્યાંથી જે ઉપદેશ મળશે તે પ્રમાણે ચાલીશ.

એટલો નિશ્ચય કીધાથી તેને જરા શાંતિ થઈ. આખા દહાડાનો થાક લાગ્યો હતો, તથા તેના મનમાં જે ઉથલપાથલ થઇ રહી હતી, એ સઘળાંથી તેના મગજ ઉપર અસર થઇ, તેથી તે નિદ્રાને વશ થયો, અને જ્યારે સૂર્યોદય થયો, અને તડકો તેની આંખ ઉપર આવવા લાગ્યો, ચ૯લીઓ તથા બીજાં પક્ષીઓ શોરબકોર કરવા લાગ્યાં, અને દહેરામાંના સાધુ વેરાગી મોટા અવાજથી રાગ ગાઇ આણીગમ તેણીગમ ફરવા લાગ્યા, ત્યારે જ તે ઉઠ્યો. ઉઠતાં જ વાર ગામમાં જઈ તેણે બે ઘોડા વેચાતા લીધા અને સવારના કામથી પરવારી તે તથા મોતીશા ઘોડાઉપર સવાર થઈ માતાજીના સ્થાનક તરફ જવા નીકળ્યા. મોટે રસ્તે જાય તો રાજાના માણસોના જોવામાં આવે, માટે તેઓ સરસ્વતીને કિનારે કિનારે ચાલ્યા. થોડા દહાડા તો વસ્તીવાળો મુલક આવ્યો, પણ જેમ જેમ તેઓ સરસ્વતીના મુખ આગળ આવતા ગયા તેમ તેમ જમીન વધારે પહાડી તથા જંગલી થતી ગઇ. થોડીએક વાર તેઓનો રસ્તો એક જંગલી પણ રમણીક તથા ફળવાન ખીણમાં થઈને હતો. તે ખીણની આસપાસ ઝાડોથી ઢંકાયલા પહાડો ચોતરફ હતા. આ ઠેકાણે આ એકાંત નદીને કિનારે કિનારે તેઓ ચાલતા હતા તે વખતે સાંજ પડી ત્યારે અઘોર રાન વધારે ભયાનક દીસવા લાગ્યું. વાઘ, વરૂ, શિયાળ ઈત્યાદિ જંગલી જાનવરોનો અવાજ થવા માંડ્યો. અને તેઓની આસપાસ કાળા અને નાગા વનના માણસો કોઈ આઘા ગામોમાં નોબત વગાડતા તેનો કઠોર અવાજ તેઓને કાને પડ્યો. એટલામાં આઘે એક બળતું થયલું નજરે પડયું. ભીલ લોકો તેઓની દેવીને બળીદાન આપતા હતા, અને ભડકું સુકાં લાકડાંમાંથી નીકળીને એક પહાડથી બીજા પહાડ ઉપર મોટા સર્પની પેઠે વિંટળાતું દેખાતું હતું. એવે રસ્તે થઈને તેઓ અંબા ભવાનીના દેવસ્થાન આગળ સરસ્વતી