[૧૨]
કિનારે ચાલ્યા જાય છે; અને હોડીને નદીની વચમાં રાખવાને એક માણસ તેના અગાડીના ભાગમાં લાંબો વાંસ લઈ ઉભેલો હોય છે. તે વાંસને તળિયામાં ખોસતો આવે છે અને હોડીને મરજી મુજબ વાળે છે. આ ખલાસીઓને કાશ્મીરમાં માંજી કહે છે અને હોડીને કિસ્તી કહે છે. અમારે આવી કિસ્તીમાં આશરે એંશી માઈલ મુસાફરી કરવાની હતી. એક્માં કુમારશ્રી ગીગાવાળા, હું અને અમારા પાસવાનો હતા, બીજીમાં પ્રાણજીવનભઈ અને એમનાં માણસો, ત્રીજીમાં રસોઇયા અને રસોડાનો સામાન અને ચોથીમાં બધો સામાન અને કેટલાંક માણસો. અકેક કિસ્તીનું દર માસે પંદર રૂપિયા ભાડું ઠરાવેલું હતું.
જે જગ્યાએ અમો કિસ્તીમાં બેઠા ત્યાં અમારી બરદાસ માટે રાજ્ય તરફથી એક બ્રાહ્મણ મોકલવામાં આવ્યો હતો. આવા બ્રાહ્મણો કાશ્મીરમાં ઘણાં છે, અને તેઓ પંડિત કહેવાય છે. જે પંડિત અમારી બરદાસ માટે આવેલ હતો તેનું નામ વાસકાક હતું, પણ પાછળથી અમે એનું નામ કાગવાસ પાડેલું હતું. આ પંડિત અમારી સાથે ચાલ્યો. કિસ્તીવાળાએ કહ્યું કે, જો માંજીલોકો વધારે હશે તો અમે તમને શ્રીનગર એક દિવસ વહેલા પહોંચાડીશું. માંજી લાવવાનું કામ પંડિતને સોંપ્યું. પંડિત ત્રીસચાળીશ માણસોને પકડી લાવ્યો, પણ સવારે તો અમે એકે માંજી જોયો નહિ. બીજે દિવસે પણ એટલાંજ માણસોને પકડી લાવ્યો છતાં સવારે ચાર માણસો રહ્યાં. બીજા ક્યાં ગયાં ? અગાડીને દિવસે લાવેલ માણસમાંથી કામ કરવા એક્કે કેમ ન આવ્યું ? અમે પંડિતને કહ્યું હતું કે અમે એ લોકોને પૈસા આપશું; પણ પંડિતો ગરીબ લોકોને એક પાઈ પરખાવતા નથી. જે લોકોને તે પકડી લાવયો હતો તેમાંના દરેક પાસેથી તેણે પા પા અડધો રૂપિયો લઈ છોડી મૂક્યા. આ લોકો આવી રીતે પંડિતોના ગજવાં શા માટે ભરે છે? રાજ્યમાં કર્તાહર્તા પંડિતો જ છે. તેની સામેની ફરિયાદ કોઈ સાંભળે નહિ.