પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કેટલાક પ્રકારની ઉત્તમ ઔષધિનો ઉપયોગ જાણતા હોય છે. કોઇ જંગલનાં પાંદડાંથી એકદમ ઘા મેળવી દે છે, કોઇક ચમત્કારી મૂળથી વાનું દરદ મટાડી દે છે, તો કોઇ સર્પનું ઝેર એક ક્ષણમાં ઉતારી દે છે. પણ આ અતિ સ્વાર્થી લોકોને તે વનસ્પતિનું નામ પૂછતાં કાંઇ કહેતા નથી અથવા એ તો મંત્રથી સારૂં થઇ ગયું એમ કહી ઠગે છે. એક માણસ આખી દુનિઆમાં પિડાતા માણસોને કેવી રીતે સારાં કરી શકે ? આ દવા જો જુદા જુદા દેશોમાં પ્રસિધ્ધ કરી હોય તો તેથી પોતાને તેમજ આખી સૃષ્ટિને કેટલો લાભ મળે ? વળી, તે માણસ મરી ગયો એટલે પૃથ્વી પરથી તેટલા જ્ઞાનનો નાશ થયો. જો આ પ્રમાણે દરેક માણસે કર્યું હોત તો માણસો આજ આ સ્થિતિમાં ક્યાંથી હોત ? અને આમ છુપા રાખનારાઓ પણ તે હુન્નર ક્યાંથી જાણતા હોય ? આવા વિચારો અને વાતો કરતાં પાછા ઉતારે આવી ચા પીધો. કાશ્મિરી પસ્મિનાની જોવા જાત પણ વખત ન હોવાથી અને તે બનાવટ સાધારણ કાપડની બનાવટ જેવીજ છે એમ અમે સાંભળ્યું હતું તેથી તે જોવા ગયા નહિ.

૩. સાંજના ચાર વાગે અમે મહારાજ ગંજ (ગંજ એટલે મારકેટ) જોવા ગયા. આ જગ્યાએ ચાંદીનાં અને ત્રાંબાંનાં વાસણ વીગેરે પરચુરણ સામાન મળે છે. આ મારકેટ ચણેલી નથી પણ એક ચોકજ છે. જમીન પર નાના મોટા ખરબચડા પથ્થર પડેલા છે જેથી કોઇ પડે તો ડાચું રંગાઇ જાય તેવું છે, તેમાં આમ તેમ આંટા માર્યા, પછી પાળા ચાલી ગામમાં ફરતાં ફરતાં જુમા મસજીદ પાસે આવી પહોંચ્યા. બુટ ઉતારી મસજીદમાં દાખલ થયા. આ મકાન ઘણું વિશાલ છે, પણ કાશ્મીરી રિવાજ પ્રમાણે મરામતની મોટી ખામી છે. આ આલીશાન બાદશાહી દબદબાવાળા મકાનમાં ત્રણ મોટા ખંડ છે. ઓરડાની વચમાં ચિનારના લાકડાના ઊંચા સ્તંભની હાર છે. એક ખંડમાં આવા છાસઠથી વધારે ફીટ લાંબા આઠ થાંભલા છે. આવા ઉંચા લાકડાના થાંભલા હજુ સુધી મેં જોયા નહોતા. આ મસજીદમાં એક સૈયદ રહેતો હતો