પૃષ્ઠ:Kashmirano Pravas.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જમી રહ્યા પછીનો અર્ધો કલાક અર્ધી ક્ષણની માફક વીતી ગયો. ગાડી જોડાણી, કોઈએ મને બોલાવ્યો, સ્વપ્ન ઊડી ગયું અને હું ગાડીમાં બેસી કુદરતથી ચકિત થઈ તેના ને તેનાજ સ્વપ્ન જેવા વિચારો કરતો, બીજાની સાથે અગાડી ચાલ્યો. આંખોને બદલે મનથી દેખતો હોઊં, દરેક અવયવ અને ઇંદ્રિય જ્ઞાન જાણે મનમાં સમાઇ ગયું હોય અથવા દરેક દેખાવ જાણે દિલ પર ચિતરાઇ અથવા કોતરાઇ જતા હોય તેમ મને લાગ્યું. આ હૃદય છબી પાડવાનું નવું યંત્ર બન્યું !

૧૧. આવી સુખકર નિંદ્રાવસ્થામાં હું હતો તેટલામાં અમે એક જૂનાં ખંડેર પાસે આવી પહોંચ્યા. કાશ્મીરની માર્ગોપદેશિકામાં લખ્યું છે કે રામપુર અને ઉરીની વચમાં એક પાંડુગઢ નામનો પુરાતની પડી ગયેલો કિલ્લો આવે છે. બારામુલ્લા જતાં અમે અહીં રોકાયા નહતા અને તેવું બીજું ખંડેર જોયું નહતું. તેથી આજ તે પાંડુગઢ છે તેમ ધારી અમે તેની અંદર ગયા. અંદર એક નીલા પથ્થરનું ખળભળી ગયેલું શિવાલય જોયું. ચોકમાં લીલું ઘાસ, બોરડી અને એવા બીજા નાના છોડ અને ગુંચવાઈ ગયેલાં મોટાં વૃક્ષો જોયાં, ચારેકોર કિલ્લાનો પાયો હતો પણ તે ગઢ ઘણી લાંબી મુદતથી પડી ગયેલો હોવાને લીધે તેના પર મોટાં ઝાડનો કુદરતી કિલ્લો થઈ ગયો હતો. આ સુંદર પથ્થરની એક ખાંભી મુસાફરો બહાર સડક પર લ‌ઇ આવેલા છે અને તેનો ઉપયોગ હજામની સલ્લ‌ઇ જેવો કરે છે, અથવા તેના પર ઘાસના જોડા, જેને કાશ્મીરમાં ચપલાં કહે છે તે રાખી વિશ્રાંતિ લે છે.

૧૨. વટેમાર્ગુનું આ વિશ્રામસ્થાન અને અસલી ખંડેર જોઈ અગાડી ચાલ્યા. ખાઇ વધારે વધારે ઊંડી થતી ગઈ. દેખાવ વધારે ભયાનક અને શાંત દીસવા લાગ્યા. સૂર્યાસ્ત સમય પાસે આવ્યો છે એમ સૂચવતાં પક્ષીઓ કિલકિલ કરી આમ તેમ ઊડવા લાગ્યાં. સૂર્યનાં ઝાંખા પડતા લાલ કિરણો વૃક્ષોનાં પાનની ગાઢી ઘટામાંથી સોંસરાં