પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨)


મૃદુ ગન્ધ મનોહર કોઈ વિશે,
વળી ઉત્કટ ગન્ધ બીજે વિલસે,
વળી કો મહિં ગન્ધ ગભીર સુવે,
ગણિયા નહિં જાય અહિં સહુ એ. ૩

વળી રંગ અનેક, ઝીણા કુમળા,
વળી દીપ્ત, ગંભીર અને વિમળા,
રમતા વિવિધે ફૂલડે સઘળાં
મળી નૅન દિયે સુખ તે રસીલાં. ૪

ઋતુ સર્વતણાં ફૂલડાં ખીલિયાં,
તહિં એક સમે સધળાં મળિયાં,
સહુ તેહની માળ વિવેકગુણે,
રસિકો ! ગૂંથી આજ દઉં ત્હમને. ૫

સહુ રંગ ભળે અનુકૂળ રીતે,
વળી ગન્ધવિરોધ કહિં ન પીડે,
ત્યમ એ કુસુમોતણી આજ દિને
ગૂંથી માળ દઉં રસિકો ! ત્હમને. ૬