પૃષ્ઠ:Kusummala (1912 - Edition - 4).pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૩૭ )


નવ આવું કદી તુજ હાથ, મૂરખ ઓ માનવી !
હું તો ધારી નવા નવા રંગ ધારું મૂર્તિ નવનવી;
પૂર્યું પાંજરે મુજને તેંહ, ધારીશ નહિં મન વિશે;
એ તો ઘડિયું મ્હારે પ્રભાવ, ત્હને ઉલટું દીસે. ૭

પણ મન નવ થઈશ ઉદાસ, કહું સુણ્ય વાત તું-
પ્હણે નાંખ્ય નજર, પ્હણે દૂર, વ્યોમ જ્ય્હાં ડૂબી જતું;
પેલી રુધિરભરેલ કપાળે ઘડેલી કમાન જે;
અંતરિક્ષ ઊભી, જે'ના સ્તમ્ભ રચ્યા મ્હોટા હાડકે;- ૮

દીસે તુજને ભયંકર તેહ, તથાપિ એ રમ્ય છે,
બીજી બાજુ કનકનો ઘાટ ઘડેલો ભવ્ય છે; -
આણી કોરે રાક્ષસ એક બેઠો છે બિહામણો,
મૃત્યુ હેવું હેનું નામ, તુંને અળખામણો. ૯

પણ તું જઈશ હેને દ્વાર, પછી પેલી પાર તું;
જઈ જોઈ પામીશ આનન્દ ત્યહાં તે વાર તું;
ત્ય્હારે ત્યાંહિં જો ! ભેટીશ તુંને હું આનન્દથી,
ત્યહાં લગી થઇ ધીર તું થીર ર્‌હેજે મન શાન્તથી." ૧૦

એમ બોલી ઊડી ગયું એહ પંખીડું ના રહ્યું,
ઊડતાં ઝળકંતી હેની દેહ, ગાતું ગાતું એ ગયું;
જઈ લય પામ્યું ચન્દ્ર માંહિં, વશી ગાતું ત્ય્હાં રહે,
શાન્ત અજવાળી રાતે કો વેળ સુણું હેનું ગાન એ. ૧૧