પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
'રાઓ' પદવી અને સાધનપ્રાપ્તિ

તે જોતજોતામાં ખાઈ જાય છે. રાતે સૂતી વેળાયે પલંગની બંને બાજૂએ સંબોસાનો ભરેલો અક્કેક થાળ મૂકાવે છે, કારણ કે, રાતે ઘણીક વાર જાગી જાય તે વેળાયે પણ તેને થોડુંક ખાવાની ટેવ છે એટલે તેમાંથી થોડા સંબોસા ખાય છે અને પાણી પીને પાછો સૂઇ જાય છે. એવી રીતે રાતે ઘણીક વાર તે જાગે છે અને ખાય છે. દરરોજ સવારમાં નિમાજ પઢી લીધા પછી એક પ્યાલો ભરીને મક્કાનું મધ, એક પ્યાલો ભરીને ઘી અને દોઢસો સોનરી કેળાં તો તે સાધારણ નાશ્તામાં જ ઓઇયાં કરી જાય છે. વળી સુલ્તાન બેગડો પોતે બહુ જ વિનોદી સ્વભાવનો હોવાથી ઘણી વાર તેના મુખમાંથી એવો ઉદ્‌ગાર નીકળી જાય છે કે: 'જો પરવરદિગારે આ મહમૂદને સુલ્તાન ન બનાવ્યો હોત, તો તેનું પેટ કોણ ભરત વારુ ?' અર્થાત્ સુલ્તાનના અત્યારના ભોજનપરિમાણથી આશ્ચર્યચકિત થવાનું કાંઈ પણ કારણ નથી."

"જો એમ જ હોય, તો તો પછી પુરાણોમાં અને રામાયણ તથા મહાભારત જેવા આપણા પુરાતન ગ્રંથોમાં ભીમસેન જેવા કેટલાક પુરુષોના રાક્ષસીય આહારની કથાઓ કરવામાં આવી છે, તે પણ અવશ્ય સત્ય જ હોવી જોઈએ. આવાં આવાં અનેક ઉદાહરણો વર્તમાન કાળમાં પણ આપણાં નેત્રો સમક્ષ હોવા છતાં આપણામાંના કેટલાક અજ્ઞાન લોકો આપણા પુરાતન ગ્રંથોમાંની એવી કથાઓને અસત્ય, કપોલકલ્પિત અને શીતલ પ્રહરના ગપ્પાષ્ટક સમાન માને છે, એ અત્યંત શોકાવહ ઘટના છે." ખેંગારજીએ કહ્યું.

આ પ્રમાણે વાર્તાલાપ ચાલતો હતો એટલામાં અલૈયાજીનું નિવાસસ્થાન આવી લાગ્યું એટલે તે પોતાને ઘેર ગયો અને ખેંગારજી તથા સાયબજી ત્યાર પછી પોતાના અશ્વોને શીઘ્રતાથી ચલાવતા પાછા પોતાના નિવાસસ્થાનમાં આવી પહોંચ્યા. ખેંગારજી તથા સાયબજીએ પોતપોતાના શયનમંદિરમાં પ્રવેશ કર્યો અને પોતપોતાની પત્નીને સુલ્તાન બેગડા તથા બહેન કમાબાઈએ કરેલા પોતાના સત્કારનો તથા સુલ્તાન બેગડાએ સર્વ પ્રકારની સહાયતા આપવામાટેના આપેલા અભિવચનનો ઇત્યંભૂત વૃત્તાંત કહી સંભળાવ્યો કે જે સાંભળીને તેમની પત્નીઓ અત્યંત પ્રસન્ન થઈ. બીજે દિવસે તેમની પત્નીઓએ કમાબાઇને પગે લાગવામાટે જવાનું હતું, એ પણ તેમણે પોતાની પત્નીઓને જણાવ્યું અને તે સુશીલ સુન્દરીઓએ તે પ્રમાણે ત્યાં જવામાટેના આમંત્રણને આનંદથી સ્વીકારી લીધું.

માનવસ્વભાવનો એક એવો નિયમ છે કે જેમ કોઈ વાર અત્યંત શોક તથા ચિન્તાના યોગે નિદ્રાનો લોપ થઈ જાય છે અને