પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
ભયંકર વિશ્વાસઘાત

પ્રત્યવાય આવે તેમ નથી જ. જો કે પ્રસ્તુત પરિચ્છેદના પ્રારંભમાં પાઠકો સમક્ષ તે આચ્છાદિત મુખથી રજૂ થયેલો હોવાથી સાધારણત: તેનું બાહ્ય સ્વરૂ૫ પાઠકોના જોવામાં આવ્યું નથી; પરંતુ લેખક જે જે પાત્રોને પોતાની નવલકથામાં રજૂ કરે છે, તે સર્વના બાહ્ય તથા આભ્યંતર સ્વરૂ૫ને તે સારી રીતે જાણતો હોય છે, એટલે અત્યારે અમો જો એ પુરુષના બાહ્ય સ્વરૂપનું વિવેચન કરીશું, તો તે સર્વથા યથાર્થ જ હોવાનું. એનું આભ્યંતર સ્વરૂપ તો એ પાત્રના પોતાના મનોગત ઉદ્‌ગારોથી જ કેટલેક અંશે પાઠકોના જાણવામાં આવી ગયું છે, એટલે તે વિશે વિશેષ લખવાની અગત્ય નથી. એ ચામુંડરાજનું હૃદય જેવી રીતે કૃષ્ણ હતું અને તે કૃષ્ણ વસ્ત્ર ધારીને આવ્યો હતો, તેટલી જ કૃષ્ણતાનો એના બાહ્ય આકારમાં પણ નિવાસ હતો. એના શરીરનો રંગ ભારતવાસીઓ જેવો ઘઉંલો નહિ, પણ આફ્રિકાના નિવાસીઓ જેવો-અમાવાસ્યાની રાત્રિવત્-કાળો હતો, અને એનું આંખોમાં લાલાશ હદ કરતાં વધારે હોવાથી તેમજ એનું કદ રાક્ષસ જેવું લાંબું પહોળું હોવાથી જાણે સાક્ષાત્ નિર્દયતા જ એ મનુષ્યાવતાર ધારણ કરીને નિરપરાધી જનોને પીડવામાટે આ અવનીતલ પર ઊતરી આવી હોયની ! એવો જ જોનારને પ્રત્યક્ષ ભાસ થતો હતો. 'आकृतिर्गुणान्कथयति' એ કહેવત એના સંબંધમાં અક્ષરે અક્ષર સત્ય સિદ્ધ થતી હતી. એ ચામુંડરાજ અત્યંત સ્વાર્થપરાયણ અને દયાહીન હોવાથી જામ રાવળે આજે જામ હમ્મીરજીનો ગુપ્ત રીતે વધ કરવામાટે એની જ યોજના કરી હતી અને તે પૂર્વસંકેત પ્રમાણે ચામુંડરાજ એ ભયંકર વિશ્વાસઘાતનું નારકીય કૃત્ય ઉપર એાળખાવેલા પોતાના ચાર જલ્લાદ સાથીઓના સાહાય્યથી પાર પાડવાનો હતો. 'समानव्यसनशीलेषु सख्यम्'“ એ નિયમ પ્રમાણે જેવો જામ રાવળ પોતે વિશ્વાસઘાતક અને મહાપાપી હતો તેવો જ તેને એ પાપાત્મા સહાયક મળી આવ્યો હતો; એટલે પછી પાપના પ્રચારમાં ન્યૂનતા જ શી રહે વારુ ? ચામુંડરાજને ઈશ્વરનો કિંચિત્માત્ર પણ ભય હતો નહિ: કારણ કે, તે ચાર્વાકના “જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખમાં જ જીવવું; ઋણ કરીને પણ ધૃત પીવું; કારણ કે, આ ભસ્મીભૂત દેહનું કાંઈ પુનરાગમન થવાનું નથી;" એ સિદ્ધાન્ત અનુસાર ચાલનારો હતો. જો કે, ચાર્વાકનું તો એણેનામ માત્ર પણ સાંભળ્યું નહોતું, પરંતુ સ્વાભાવિક જ એના અંતઃકરણમાં ચાર્વાકતાનો નિવાસ હોવાથી પોતાના મનથી જ એ તે મતનો અનુયાયી થયો હતો અને નેત્ર બંધ હોવા છતાં એ માર્ગમાં સરળતાથી ચાલ્યો જતો હતો. અસ્તુ.