પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂટતી કડી
૧૩૩
 


પંચાણ ભાભાને અફીણનું વ્યસન હતું.

‘કાંકરી તો હમણાં જડી રિયે છે.’ ડોસાએ કહ્યું. ‘જીવલો જેલમાં ગ્યો તંયે ચાર તોલા મેલતો ગ્યો છે.’

અને આટલું બોલવાથી પણ અસાધારણ પરિશ્રમ પડ્યો હોય એમ ડોસો અંગેઅંગ ધ્રૂજી રહ્યો.

‘હવે ગઢપણના બાર્ય ન નીકળતા હો તો ?’ રઘાએ સલાહ આપી.

‘બાનો કીધો બાર્ય નીકળ્યો છું.’

બા એટલે તખુભા બાપુનાં થોરડીવાળાં ઠકરાણાં સમજુબા.

‘સમજુબાએ તમને મોકલ્યા છે ?’ રઘાએ પૂછ્યું.

‘હા.’

‘એવું તી શું કામ પડ્યું છ ?—’

‘તમે ક્યાં નથ્ય જાણતા ? પોલીસ આવી ગ્યા કેડે દિ’ ને રાત્ય રોયા જ કરે છે—’

‘સમજી ગ્યો, સમજી ગ્યો—’

‘મને કિયે કે રઘાભાઈને બરકી આવ્ય—’

‘હા...’

‘ટાણું જડે તંયે જરાક ડેલીએ આવી જાવ, તો—’

‘ભલે—’

આટલી મિતાક્ષરી વાતચીત કરીને રઘાએ ડોસાને વિદાય કરી દીધો, દરબારી માણસને આ ઉંબરે વધારે વાર ઊભો રાખવામાંય રઘો હવે પોતાની પ્રતિષ્ઠાનું જોખમ ગણતો હતો.

દરબારની ડેલીએથી આ તેડું આવ્યા પછી ક્યારનો વિચારતંદ્રામાં રહેલો રઘો વધારે વિચારમાં પડી ગયો, શું હશે ? શા માટે બોલાવ્યો હશે ? અટાણે કવેળાએ તે કેવુંક કામ પડ્યું હશે ?

સરકારી પોલીસ તરફથી સાણસા ભિડાયા પછી તો રઘો વધારે સાવધ થઈ ગયો હતો. દરબારની ડેલીએ આમ આડે દિવસે થતી અવરજવર એણે ઓછી કરી નાખી હતી. અત્યારે પણ ચાર ગામલોકોના