પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
લીલુડી ધરતી
 

 સંતુ સરવા કાન કરીને આ બધી વાતચીત સાંભળી રહી હતી; ગોબર આવી મોટી શરતમાં વિજેતા બને એ જોવાને પોતે ઝંખી રહી હતી, પણ ત્યાં તો માંડણિયાનો અવાજ સંભળાયો : ‘હાલો ઝટ નાળિયેરના નંગ નક્કી કરી નાખો તો રાતોરાત ગાડાં જોડીએ.’ અને તુરત આ શરત અંગે સંતુનો ઉત્સાહ ઓસરી ગયો. મનમાં સંશય પણ જાગ્યો : માંડણિયો કાંઈ કાવતરું તો નથી કરતો ને ? મુખીને ચડાવીને અમને શીશીમાં તો નહિ ઉતારતો હોય ને ? સંતુને એક ભયંકર પ્રશ્ન પજવી રહ્યો : માંડણિયો મિત્ર છે કે શત્રુ ?

ઊજમનો ચિત્તપ્રવાહ વળી જુદી જ દિશામાં વહી રહ્યો હતો. એ આજે દેવશીને સંભારતી હતી. અડીકડી વાવમાં દેવશી નાળિયેર નાખી આવ્યો એ પ્રસંગને સંભારતી હતી, પોતાના પતિએ પ્રાપ્ત કરેલા વિજયને યાદ કરતી હતી. અરે, ગામનાં માણસ પણ કેવાં નિષ્ઠુર છે ! આવી આવી નાળિયેરની રમતો યોજીને શા માટે મારી સૂતેલી સ્મૃતિઓને જગાડતાં હશે ? અંબામાની ટૂક પર પગપાળા પહેાંચવાના મનોરથ તો મારા હતા. ત્યાં નાળિયેર વધેરવાની બાધા-આખડી તો મેં લીધેલી. હાય રે દેવી ! એ માનતા તો અધૂરી જ રહી ! એ બાધા-આખડી તો અફળ જ રહેવા પામી ! ગિરનાર જવાનો—પગપાળા પહોંચવાનો યોગ તો આવ્યો, પણ મને નહિ, ગોબરને.

‘બોલ, દલુભાઈ ! કેટલા ઘાએ ત્રીજી ટૂકે નાળિયેર નાખશો ?’ માંડણિયે પૂછ્યું.

‘મારા વતી મારો વેરસી રમશે.’ દલસુખે કહ્યું. ‘બોલી નાખ વેરસી ! કેટલા ઘાએ શરત લેવી છે ?’

‘મારે ડુંગરનાં પગથિયાંની અટકળ કાઢવી પડશે—’

‘અમારી તો કાઢેલી જ છે.’ ગોબરે કહ્યું, ‘તમે બોલો પછી અમે બોલીએ—’