પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દાણા ગણી દિયો !
૨૨૯
 


‘શી બાબત જોવાની છે ?’ હાદા પટેલે સહેજ ગંભીર અવાજે પૂછ્યું.

આ પ્રશ્નનો ઉત્તર આપતાં તો ઠકરાણને પારાવાર સંકોચ થયો. આખરે નખ વડે જમીન ખોતરતાં બોલ્યાં :

‘આ વાત પેટમાં રાખવા જેવી છે, પટેલ !’

‘તમતમારે બેફિકર રહેજો—’

‘વાને કાને ય વાત નો જાય, હો !’

‘મને...કે’વું નો પડે—’

હવે સમજુબાને હિંમત આવી. એમણે અંતરની વાત કહી દીધી :

‘મારાં કરમમાં જણ્યાંનું સુખ માંડ્યું છે કે નહિ, એના દાણા જોઈ દિયો—’

‘જણ્યાંનું સુખ ? તમારા કરમમાં ? તમારે તો આ કહળ્યા શાદૂળભા... એકે હજારાં જેવો દીકરો—’

‘જાણું છું. એકે હજારાં જેવો જ છે; પણ ઈ મારા કરમમાંથી ઝુંટવાઈ તો નહિ જાય ને, એટલું જોવરાવવું છે. સતીમાને પૂછીને મારા નામના જારના દાણા...’

પ્રશ્ન એવો તો નાજુક હતો કે હાદા પટેલે મૂંગા રહેવાનું જ ઉચિત માન્યું.

‘છતે છોકરે વાંઝિયામેણું જડે એવા જોગ ઊભા થયા છે.’ સમજુબાએ હવે મોકળે મને પેટછૂટી વાત કરી નાખી. ‘શાદુળભા મારા નસીબમાં સમાશે કે નહિ, એની હાર્યે મારે દીકરાની લેણાદેણી છે કે નહિ, એટલું સતીમાને પૂછાવવું છે. એના દાણા જોઈ દિયો, પટેલ ! તો તમારો પાડ ભવોભવ નહિ ભૂલું—’

‘ભલે.’ કહીને હાદા પટેલે ઊંચું જોયું તો ઠકરાણાની ઘેરી ગંભીર આંખને ખૂણે, કળજઘેરા આકાશમાં તગતગતા તારોડિયા