પૃષ્ઠ:Liludi Dharti1.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખોળો પાથર્યો
૭૫
 


ગયું હોય, એમ સત્વર કડબ ચાવવા લાગી ગયું : સંતુના મોં પરનો ઉલ્લાસ જાણે કે કાબરીની આંખમાં પ્રતિબિંબિત થવા લાગ્યો.

માબાપ ને દીકરી આખરે મોડી રાતે પણ વાળુ કરવા બેઠાં.

વળતી સવારે સંતુ આખા ગામ કરતાં વહેલી ઊઠી ને બેડું લઈને પાદરમાં દેરાણી-જેઠાણીની વાવે પહોંચી ગઈ. ભેગો, ઓઢણાંને છેડે નળિયાંનાં ઠીકરાંનો ભૂકો પણ બાંધતી ગઈ.

રઘાની હૉટેલ હજી ઊઘડી નહોતી. એનાં બારણાં પાસે ચાનો એક પાકો બંધાણી મૂળગર બાવો હૉટેલ ઊઘડવાની રાહ જોતો આળોટતો હતો. સંતુ આ બંધ બારણાં તરફ તુચ્છકારભરી નજર નાખીને કૂવે પહોંચી ગઈ.

કૂવાની પાળે બેસીને એણે બેડું ઉજાળવા માંડ્યું, નળિયાંનો ભૂકો ઘસીઘસીને બેડું ઉજાળ્યું; અંતરના ઉમંગથી ફરીફરીને ઉજાળ્યું; ચકચકતું તાંબુ પરિશુદ્ધ સોના જેવું થઈ ગયું ત્યાં સુધી ઉજાળ્યું. લાલ હિંગળોક જેવા ઝગમગતા બેડામાં સંતુનું એવું જ લાલ મોઢું દેખાયું ત્યાં સુધી ઉજાળ્યું.

એક કામઢી વહુવારુ તો ત્રણ ત્રણ વાર બેડાં ભરીને ઘેરે રેડી આવી ત્યાં સુધી સંતુ કૂવાની પાળ ઉપર બેસીને બેડું ઉજાળતી જ રહી તેથી પેલીએ સાહજિક કુતૂહલથી પૂછ્યું :

‘એલી સંતુ ! આજે દિવાળી આવી છે તી બેડું આટલું બધું ઊટકશ ?’

‘હા.’ સંતુએ એકાક્ષરી ઉત્તર આપીને પછી મનશું જ ઉમેર્યું : ‘મારે તો હોળીમાંથી દિવાળી થઈ ગઈ...!’

આખરે છલકતું બેડું માથે મૂકીને સંતુ કૂવાની પાળ ઊતરી ત્યારે સામે ડુંગર પછવાડે અંબામાની ટૂંક ઉપર સૂરજ મહારાજે કોર કાઢી હતી. બજારમાં હાટડીઓ ઊઘડી ગઈ હતી. રઘો પોતાના થડાના તખત ઉપર બેસીને, ખોં...ખોં ! કરતો માંડણી પછવાડેના