પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
લીલુડી ધરતી-૨
 


જ સૂચવતાં રહ્યાં. ભૂધર મેરાઈનો વલ્લભ તો તાબડતોડ દીવેલ લેવા દોડી ગયો.

ચાર-પાંચ જુવાનિયાઓ તો આ ૨જમાંથી ગજ થઈ પડેલ કરુણ ઘટના નિહાળીને ઉશ્કેરાઈ ગયા, અને જીવાની આ જોહાકી સામે ખુલ્લો વિરોધ કરી રહ્યા.

‘બરકો શાપરથી શંકરભાઈ ફોજદારને. નખાવો આ ઓઘડિયાને હાથકડી—’

‘જીવા ખવાહને જેલમાં જ પુરાવવો પડશે—’

હવે રતાંધળા ઓઘડની આંખ ઊઘડી ગઈ. બોલ્યો :

‘હાથકડી પેરાવવાની સગી ? મેલડી રૂઠશે તો જાઈશ ઘી’હોડાં કૂટતો—’

જીવાએ પણ સંભળાવી :

‘જેલ જેલ શું કરી રિયા છો ? જેલું તો બવ જોઈ નાખી !’

જુવાનિયાઓએ સામું સંભળાવ્યું :

‘ઈ તો શાપરથી શંકરભાઈ ફોજદાર આવશે તયેં ખબર્ય પડશે કે કેટલી વીહુંએ સો થાય છે—’

‘શાપરથી ય આઘેરો જા ની !’ જીવાએ ગર્વોક્તિ ઉચ્ચારી. ‘શંકરભાઈથી ય ઊંચેરો પૂગ્ય ની ! રાજકોટ જઈને મોટા સુપ્રિન્ટેન્ડેન્ટને તેડી આવ્ય, જા ! ગૂંજામાં ગાડીભાડું ન હોય તો મારી પાંહેથી લેતો જા !’

આખા જમેલામાં ત્રણ વ્યક્તિઓની સ્થિતિ વિષમ હતી. રામનામના ઉચ્ચાર જોડે જ સંભળાયેલી સંતુની કાળી ચીસ સાથે રઘાની આંખમાંથી જે પ્રથમ અશ્રુ સર્યું હતું એનો પ્રવાહ અસ્ખલિત ચાલી રહ્યો હતો. પોતે આ પાખંડીઓનું પ્યાદુ બની બેઠા છે, એવી પ્રતીતિ થતાં મુખી ભવાનદાને ભયંકર વસવસો થઈ રહ્યો હતો. સંતુની ચીસ સાંભળીને જ એમના હૃદયમાં ચિરાડ પડી હતી અને એ અનાથ યુવતીની યંત્રણા જોઈને તો મુખીની આંખમાં ઝળઝળિયાં