‘મારા રોયા ! મને રઝળાવીને ક્યાં ગ્યો ? અંત ઘડીએ મૂઓ મને છેતરી ગ્યો...... મારા છોકરાને આશ્રમમાંથી ચોરી આવ્યો ને હવે અમને માછોરુને નોંધારાં મેલી ગ્યો મારો પીટડિયો !... હાય રે હાય ! જંદગી આખી મને ભેગી ફેરવી, ને ઘડપણમાં આવા વિજોગ કરાવતો ગ્યો, ફાટી પડ્યો !....’
ધડીમ ધડીમ છાતી કૂટતી ને મોઢેથી ગાળોનો વરસાદ વરસાવતી આ વૃદ્ધાને જોઈને લોકો વિમાસણમાં પડી ગયાં.
‘એલા ઓઘડભાભાનો વે’મ સાચો જ લાગે છે. આ તો અમથી સુતારણ્ય જ ! બીજું કોઈ નહિ—’
‘આપણે કે’તા’તા કે આ તો કાબૂલથી આવી છે, ને કલકત્તાવાળી છે, પણ નીહરી તો ગુંદાહરની જ—’
‘ગુંદાહરની ન હોય તો આવી મજાની શુદ્ધ ગુજરાતી ગાળ્યું ક્યાંથી આવડે ?’
રઘાની આત્મહત્યાનું કમ્પાવનાર દૃશ્ય જોઈને બેબાકળા બની ગયેલા ગિરજાને ડોસીએ ખોળે લીધો ને માતૃસહજ વાત્સલ્યથી એને છાનો રાખતાં રાખતાં પણ એણે મૃત રઘાને ઉદ્દેશીને સ્વસ્તિવચનો તો ચાલુ જ રાખ્યાં.
‘રોયા ! જંદગી આખી મારી હાર્યે છેતરામણી જ રમ્યો ? મને છેતરીને ગામમાંથી લઈ ગ્યો. મને છેતરીને મલક મલકમાં ભમ્યો. મને છેતરીને મારા છોકરાને આશ્રમમાં મેલ્યો, ને મને છેતરીને એને આશ્રમમાંથી પાછો ઉપાડી આવ્યો... ને અંત ઘડીએ મને છેતરીને જ હાલતો થઈ ગ્યો ! હલામણ—’
રોંઢો નમતાં સુધી ડોશીની આ રોકકળ ચાલુ રહી. રઘાએ આત્મહત્યા જ કરી છે, કોઈએ એનું ખૂન નથી કર્યું, એના પ્રતીતિકર પુરાવાઓ એકઠા કરવામાં શંકરભાઈને ઠીક ઠીક શ્રમ લેવો પડ્યો. આખરે, આખી ય ઘટનાના સાહેદ તરીકે મુખીએ પોતાનો બોલ આપ્યો ત્યારે ફોજદારે ગામના એ મોવડી પર ઈતબાર રાખીને