પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લીલુડી ધરતી-૨
 

’કરો છો ? કાસમ પસાયતો એને કડી પહેરાવવા આવે જ છે. પહેલાં પરથમ ગોબરને તો વાવ્યમાંથી બહાર કાઢો !

હવે હાદા પટેલને સમજાયું કે આ કિસ્સામાં કોણ અપરાધી છે એ નક્કી કરવા કરતાં ય અત્યારે વધારે તાકીદનું કામ તો પુત્રના મૃતદેહને બહાર કાઢવાનું છે. એમણે આદેશ આપ્યો.

‘કોહ જોડો, કોહ.’

તુરત બેત્રણ જુવાનિયાઓએ થાનકની છાપરી તળે બાંધેલા ખાંડિયાબાંડિયા બળદને છોડ્યા, ને કોસને વરત બાંધ્યું. મંડાણ પર ભરાવેલું રાંઢવું ઝાલીને એક જોરુકો જુવાન આગોતરો વાવની અંદર ઊતરી ગયો, અને તુરત એણે કૂવાને તળિયેથી જ બુમ પાડી :

‘અંધારું સારપટ છે, કાંઈ સુઝતું નથી.’

તુરત જેરામે વલ્લભને કહ્યું :

‘જા રામભરોસેમાંથી આપણી પેટ્રોમેક્સ ઉતારી આવ્ય !’

અને પછી હાદા પટેલને એણે હળવો ઠપકો આપ્યો :

‘આ તમે માંડણિયા હારે માથાકૂટ કરવામાં રોકાણા એમાં વાવમાં અંધારું થઈ ગયું.’

હાદા પટેલે આંખમાં આવેલાં ઝળઝળિયાં લૂછતાં જવાબ આપ્યો :

‘ભાઈ ! અંધારું તો વાવમાં નહિ પણ મારા જીવતરમાં થઈ ગયું. ઘરનો દીવો સદાયનો ઠરી ગ્યો. હવે એવા વીજળીના દીવા ય ક્યાંથી ઉજાસ કરવાના ?’

‘ક્યાં છે માંડણિયો ?’ શેઢેથી કાસમ પસાયતાએ પડકાર કર્યો.

‘આ રિયો ! આ ગુડાણો’ સામેથી ટોળાંએ જવાબ દીધો.

‘હજી લગણ એને છૂટો રાખ્યો છે ?’ કાસમે સહુને ઠપકો આપ્યો. ‘છીંડું ઠેકીને વહેતો થઈ ગ્યો હોત તો ?—’

‘ભાઈ ! આ કાળમુખાને ઝાલી રાખીને ય હવે મારે કયો લાભ કાઢવાનો હતો ?’ હાદા પટેલે અંતરની વેદના વ્યક્ત કરી. ‘એને હવે તમે શૂળીએ ચડાવો તો ય મારો છોકરો થોડો પાછો