લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





પ્રકરણ છવ્વીસમું
ડાઘિયો રોયો

અંધારી ગમાણમાં મીઠા તેલનો મોઢિયો દીવો ફિક્કો ને માંદલો પ્રકાશ પાથરતો હતો.

એક ખૂણામાં ખાટલે પડેલી સંતુ પ્રસુતિવેદનાથી પીડાતી હતી.

ઊજમ હાંફળીફાંફળી થઈને હરફર કરી રહી હતી.

ફળિયામાં હાદા પટેલ સમાચાર જાણવાની ઉત્સુકતાથી ખડે પગે ઊભા હતા.

ગમાણને સામે ખૂણે કાબરી ઊભી હતી અને વારેવારે એ વિચિત્ર હીંહોરાં નાખી રહી હતી એ સાંભળીને ઊજમને વહેમ આવ્યો, પણ એ તો ‘અમથી અમથી ઉફાંદ આવી હશે’ એમ વિચારીને ગાય પ્રત્યે એણે બહુ ધ્યાન આપ્યું નહિ.

સંદેશો મળતાં જ, વાળુ અધૂરૂં મેલીને નીકળી પડેલી હરખ શ્વાસભેર ગમાણમાં પ્રવેશી અને સંતુને ખાટલે બેઠી.

‘વખતી ક્યાં રોકાણી ?’ ઊજમે હરખને પૂછ્યું.

‘મને કિયે કે તું પુગ્ય ઝટ, હું વાહોવાંહ આવું છું—’

‘ઈ પણ ખપ પડે તંયે જ મોંઘી થાય ઈ માંયલી છે.’

‘શું કરીએ ? આપણે એનાં ઓશિયાળાં.’ હરખે ટકોર કરી. ‘ગામમાં સાત ખોટની એક જ સુયાણી—’

‘ભાર્યે ભૂંડી છે. આમ આડે દિ’એ કામ વગર દહ ધક્કા ખાઈ જાય, ને કામ પડ્યે તેડવા જઈએ તંયે તેડામણ માગે ઈ માંયલી—’