પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પ્રકરણ ત્રીસમું
તમાશો

સંતુ ડેલી બહાર ગઈ કે તુરત ઊજમ એની પાછળ જવા ઊભી થઈ, હરખ પણ હેબતાઈ જઈને પુત્રીને પાછી પકડી લાવવા ખડકીના બારણાં તરફ દોડી.

‘આ એકલી શેરીમાં નીકળી છ, ને ક્યાંક આડીઅવળી ભાગી જાશે તો ?’

‘ગાંડા માણસને શું ગમ હોય ? ઈ તો કૂવા – અવેડામાં ય પગ મેલી દિએ, ને પછી થ્યું – અણથ્યું થોડું થાય છે કાંઈ ?’

ખડકી બહાર નીકળીને વખતી એ ઊજમને સમજાવ્યું.

‘સંતુને લોંઠાએ પાછી ઘરમાં ન ઘાલતાં એને ભચડાની રમત્ય જોવી હોય તો જોવા દેજો—’

ઊજમે કહ્યું : ‘આવડી સાંઢડા જેવડી બાઈ ઊઠીને રીંછ–વાંદરાની રમત્ય જોતી હશે ? સાંભળનારા ઠેકડી જ કરે કે બીજુ કાંઈ ?’

‘ભલે ઠેકડી કરે. અટાણે સંતુ પણ નાનકાં છોકરાં જેવી જ છે. મર રીંછ–વાંદરાનો ખેલ જુવે. એનો જીવ ખુલાસામાં રિયે એમ કરો.’ વખતીએ સૂચના આપી. ‘સાટે એમ હોય તો તમે બે ય જણિયું એની પડખે ઊભીને વે’મ રાખજો.’

‘આ હું ગલઢી આખી આવાં રમત્યરોડાં જોવા ઊભી રહું તો ભૂંડી ન લાગું ?’

‘ઊભવું ય પડે. શું થાય ? અટાણે સંતુના જીવને સખ વળે એમ કરવાની જરૂર છે.’ કહીને વખતીએ ઉમેર્યું :