પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….