પૃષ્ઠ:Lokgeeto.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ


હાજી કાસમ, તારી વીજળી[૧] રે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ

ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર

દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર

ચૌદ વીશું[૨]માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર

બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના[૩] વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ[૪]

મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય

પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન[૫]
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય

મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાં[૬] માંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર

કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ

પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય

વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર

ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ


  1. એ નામની આગબોટ, આમ તો તેનું નામ ’વૈતરણા’ હતું, પરંતુ તેમાં વીજળીનાં દિવા હોવાથી લોકબોલીમાં વીજળી થી પ્રખ્યાત થયેલ.
  2. ૧૪*૨૦=૨૮૦
  3. ઉત્તર-દક્ષિણ
  4. વહાણ
  5. એતબાર,વિશ્વાસ
  6. ચશ્મા