પૃષ્ઠ:Lokgeeto.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે
વાણીહાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં પાઘડીએ મન મો'શે રે
અસતરી હશે તો એનાં ચૂંદડીએ મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂંદડિયું મૂલવિયું રે
તેજમલ ઠાકોરિયાએ મોળીડાં મૂલવિયાં રે

ચાલો મારા સાથી આપણ સંઘેડા હાટે જઈએ રે
સંઘેડાં હાટે જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એનાં ઢોલિયે મન મો'શે રે
અસતરી હશે તો એનાં ચૂડલે મન મો'શે રે

સંધા સાથીડાએ ચૂડલા મૂલવિયાં રે
તેજમલ ઠાકોરિયાના ઢોલિયે મન મોયાં રે

ચાલો મારા સાથીઓ દરિયે ના'વા જઈએ રે
દરિયા કાંઠે જઈ અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એ દરિયો ડો'ળી ના'શે રે
અસતરી હશે તો એ કાંઠે બેસી ના'શે રે

સંધા સાથીડા તો કાંઠે બેસી ના'યા રે
તેજમલ ઠાકોરિયો તો દરિયો ડો'ળી ના'યો રે

ચાલો મારા સાથી આપણ લશ્કરમાં જઈએ રે
લશ્કરમાં જઈને અસતરી પારખીએ રે

પુરુષ હશે તો એ સામે પગલે ધાશે રે
અસતરી હશે તો એ પાછે પગલે ખસશે રે

તેજમલ ઠાકોરે જુદ્ધમાં પહેલો ઘા દીધો ને
સૌ સાથીડાં એની પાછળ ધાયાં રે

દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે
દાદે ને કાકે એને મોતીડે વધાવ્યાં રે