પૃષ્ઠ:Lokgeeto.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મીઠી માથે ભાત

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ
ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ
સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ
ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ
નવાણ છે નવ કોશનું ફરતા જંગી ઝાડ
રોપી તેમાં શેલડી વધ્યો રૂડો વાઢ
પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ
મીઠી ઉમર આઠની બહેન લડાવે લાડ
શિયાળો પુરો થતા પાક્યો પુરો વાઢ
વાઘ,શિયાળ,વરુ તણી રહેતી વગડે રાડ
કેળ સમી સૌ શેલડી ઝુકી રહી છે ઝુંડ
રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભુંડ
ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર
બાવળના નથબૂતડી તુર્ત કર્યા તૈયાર
સોંપ્યું સાથી સર્વને બાકી બીજું કામ
સાધન ભેળું સૌ થવા તવા તાવડા ઠામ
પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ
રોંઢા વેળા ગઈ વહી પડતું ટાઢું ભાત

કહે મા : મીઠી ળે હવે ભાત આપું
કીકો લાવ મારી કને જા તું બાપું