પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છો તો હું સ્ત્રી છું, મને કશાની દરકાર નહિ હોય? તમે મને ગમે તેવી ધારો. પણ મેં એવું કામ જન્મ ધરીને કર્યું નથી એ ખરેખરૂં છે. પણ બેત્રણ વરસ થયાં મારી શાળામાં અથવા બીજે ઠેકાણે તમને જોતી ત્યારે મ્હારૂં મન તોફાની વહાણની જેમ થતું. પણ તમે ય પરખી શક્યા હો તો કહો કે ફલાણે દિવસે મેં તમારી પ્રકૃતિમાં આવા ફેરફાર જોયા હતા! તમે મને આ દુનિયાની સ્ત્રી ધારશો જ નહિ. મારે મોઢે મારી કવિતા સાંભળવા ભલભલા પુરૂષો ઈચ્છા રાખતા ને રાખે છે. પણ હું એવી અભિમાની છું કે જેના ઉપર મારો ભાવ ન હોય તે મોટો ચક્રવર્તી હોય તો ય પત ન કરૂં. તમે તો મને અંતઃકરણથી જ કાંઈ દિસો છો એટલે મારા શરીરને છેલ્લી વારે હાનિ પહોંચવા લાગી ત્યારે બધું ય કોરે રહ્યું... મેં જે કાંઈ જ્ઞાન મેળવ્યું છે તે પુસ્તકો વાંચીને જ. ને હજુ પણ એ બાબત હું કેવું સમજું છું તે કોઈ જાણતું નથી ને જણાવીને કામે શું છે? ઉલટું સ્ત્રીનું ઉંડાણ જાણી સારા વિચાર બાંધનારા થોડા ને નઠારા બાંધનારા ઘણા. વળી મારા મનમાં એવો અભિમાન હતો કે જે ન જાણે તે રહે તેમાં શું? પણ બધું જાણ્યા પછી રહે તે ખરી! પણ તે તો રહ્યો નહિ! તેનું કારણ મનગમતો ભર્તા મળ્યો નહિ તે જ. હું ઘણીએ સમજું છું કે મારે તમારા ઉપર શાને ક્રોધ કરવો જોઈએ? પણ એને બોલે મારી પ્રકૃતિ એવી જન્મની જ છે તે જતી નથી. હું નાની હતી ત્યારે મારી મા ચીડાય ત્યારે કહેતી કે, 'લે ને આટલી બધી આડાઈ કરે છે પણ પાછી પિયેરનાં ઝાડ જોવા નહિ પામે' ત્યારે હું કહેતી કે 'હું પિયેર તરફ ઓશીકું કરીને સુનાર પણ નથી. જા તારે ગમે તો તેડવા મોકલજે.' આવું સાંભળી તે બિચારી રડે પણ મારી ટેવ ગઈ જ નહિ! તેમાં હું જાણું જે મારી ઉપર સ્નેહ રાખે છે તેના ઉપર તો મને સહજ રીશ થઈ આવે. તમારે ને મારે શું? બાકી હું ધારૂં છું તેવું જોડું કોઈનું બંધાયું હોય તેનો રંગ જુદો જ ઉઠે!

આપ પોતાની મરજી પ્રમાણે લખીને તેના અર્થ ફેરવતાં વાર લગાડતા નથી. પણ જે રૂપે લખ્યું હોય તે જ રૂપે કબુલ કરો તો હું કાંઈ તમારો દંડ લેવાની છું? આવી વકીલાત મને પસંદ નથી. માટે મારી સાથે કૃપા કરીને જેમ બને તેમ સરળતા રાખવી. મારી સાથે એમ વાદ કરવા જ સંબંધ બાંધ્યો હોય તો મારામાં તમને જીતવાની શક્તિ નથી. માટે નમ્રતાથી કહું છું કે 'હું હારી ને તમે જીત્યા !' 'હવે ક્ષમા કરો !'

આપ લખો છો કે 'પ્રેમને હું ઇચ્છું છું પણ પાપથી ડરૂં છુ' તો હું પણ તમારો જીવ કચવાવાને રાજી નથી. ભલે, તમે પાલન થાય એવો પ્રેમ મારા તરફ