પૃષ્ઠ:Mabapone.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નજીવનની ધન્યતા કયારે સમજાશે ?
 


નવાં માબાપો સમજી લે કે બાળક કાંઈ માટીનો પિંડો નથી કે મીણનો લોંદો નથી કે તેનો જેવો ઘાટ ઘડવા માગશે તેવો ઘાટ ઘડાશે. બાળક સચેતન વ્યક્તિ છે. તે પોતાનો ઘાટ પોતે જ ઘડનાર છે; અને તેની પ્રકૃતિના ગુણધર્મ પ્રમાણે તે પોતાને ઘડી પણ શકે છે. માબાપોએ તેમાં આડે ન આવતાં તેના કાર્યમાં મદદ કરવા માટે બાળકની બારીક પ્રવૃત્તિનું અવલોકન કરી તેને પડખે ઊભા રહેવાનું છે.

યુવાન માબાપો સમજી લે કે મારવાથી કે ઈનામથી બાળકો સુધરી શકતાં નથી પણ ઊલટાં બગડે છે. મારથી બાળકમાં ગુંડાઈ આવે છે, ઈનામથી તે વ્યભિચારી બુદ્ધિનું થાય છે; અને એ બંનેથી તે ગુલામ થાય છે.

નવાં માબાપો જેમ પોતે સાચા સ્વાતંત્ર્યની ઝંખના રાખે છે, તેમ જ બાળક પણ તેની ઝંખના અને માગણી કરે છે; અને માબાપની, માબાપના આચારોની, માબાપની કુળપરંપરાની બેડીઓમાંથી મુક્ત થવા માગે છે. માબાપે તેમને તેમાંથી મુક્ત પણ કરવાં જોઈએ.

ટૂંકમાં બાળકો — આપણાં મોંઘામૂલાં અતિથિઓ — આપણી પાસેથી સાચું સ્વાતંત્ર્ય, સહાનુભૂતિ ભરી સહાય અને બાળવિકાસ સંબંધેના પ્રયોગસિદ્ધ જ્ઞાનની આશા રાખે છે. આપણે તેને માટે તૈયાર થઈએ.

જ્યારે આપણે આ તૈયારીએ બાળકોના આગમનને માટે લાયક બની તેના સત્કાર માટે રાહ જોતાં ઊભાં રહેશું ત્યારે જરૂર આપણે ત્યાં વિભૂતિઓ અવતરશે, અને આપણા વાતાવરણમાં તે અદ્ભુત વિકાસ સાધશે, તથા આપણું અને દુનિયાનું કલ્યાણ કરશે.

તે વખતે આપણને આપણી યુવાની, લગ્નજીવન અને લગ્નસુખની ધન્યતા સમજાશે !