પૃષ્ઠ:Mabapone.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
માબાપોને
 


રાખી શકાય તો વધારે સારું. મતલબ કે બાળકને પ્રાણીપરિચય લાભદાયક છે, ને તે સ્વતઃ એક પ્રવૃત્તિ છે. બાળક તેને સાચવવામાં, તેને ખવરાવવા પિવરાવવામાં ને તેની સાથે જીવન જીવવામાં ઘણું રોકાય છે.

: ૧૧ :
નાટકો કરવાં

કદાચ આપણામાંનાં ઘણાંઓએ નાનપણમાં નાટકો કર્યા હશે. એમાંનાં કોઈ કોઈએ એ કામ સાથે કાયમનો સંબંધ બાંધ્યો હશે; કોઈ નાટક કંપનીના મેનેજર, કોઈ ઍક્ટર, કોઈ ગાયક, કોઈ લેખક, કોઈ નાટકવિવેચક, કોઈ ઍમેચ્યોર નટ, કોઈ સિનેમા ઍક્ટર, કોઈ સિનેમા ફિલ્મ લેનાર, વગેરે બન્યા હશે. મતલબ કે નાટક કરવાનું બાળકોને ગમે છે. નાટક કરીને પ્રમુખત: બાળકો પોતાની અભિનય કરવાની વૃત્તિને વેગ અને સંતોષ આપે છે. અભિનય એ કલા છે; મનુષ્યનો કલાપ્રિય સ્વભાવ એ દ્વારા પ્રગટ થાય છે. આ વૃત્તિ સહજ છે, ને તેને વિકાસમાં સ્થાન છે.

બાળકોનાં નાટકો એટલે જે જે જોયું તે ભજવવું-કરી બતાવવું. છેક નાનાં બાળકો ઘર ઘર રમવામાં એક જાતનું નાટક જ કરે છે; પરંતુ તેની સાથે જ્યારે અનિષ્ટ અંશો જોડાય છે ત્યારે આપણે આજે ઘર ઘરની રમતોનો નિષેધ કરીએ છીએ.

બાળકોએ નાટકો જોયાં હશે એટલે તેઓ તેવાં નાટકો કરવા જશે. ત્યાર પછી તો વાંચેલાં નાટકો પણ ભજવવાની મરજી કરશે. આપણે તેમને નિર્દોષ નાટકો બતાવીએ તો નાટકની પ્રવૃત્તિને અનુકૂળતા મળે.

આપણે ઘરમાં નાટક કરવાની મના કરીએ છીએ, કારણ કે ઘણાંઓ નાટક કરવાનું ખરાબ ગણે છે. તેમાં કશું ખરાબ નથી.