પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગરીબ પણ સંસ્કારી અને બુદ્ધિમાન પિતાના હોશિયાર દીકરાની કેળવણી જે રીતે થાય એ રીતે મહાદેવની કેળવણી થઈ. માતુશ્રી નાની ઉંમરમાં ગુજરી ગયાં એટલે દાદીમા તેમની સંભાળ રાખતાં. ગુજરાતી પાંચ ચોપડી (અમારા વખતમાં ગુજરાતી પાંચ પૂરી કર્યા પછી અંગ્રેજીમાં જઈ શકાતું) પિતાની પાસે જે ગામમાં એમની નોકરી હોય તે ગામમાં ભણ્યા. પછી અંગ્રેજી ક્યાં ભણવું એનો વિચાર આવ્યો. તે વખતે આખા ઓલપાડ તાલુકામાં એક્કે અંગ્રેજી નિશાળ નહીં. નજીકમાં નજીકની અંગ્રેજી નિશાળ સુરતમાં જ. ત્યાં પિતાશ્રીના પરમ સ્નેહી શ્રી ચંદુલાલ ઘેલાભાઈ દાક્તર શાહપરમાં રહેતા. એમને ઘેર મહાદેવને મૂકી શકાય એમ હતું. પણ આવડા નાના દીકરાને સુરત જેવા શહેરમાં મૂકવાને પિતાને જીવ ચાલ્યો નહીં. (આ ચંદુલાલ દાક્તર જેમને મહાદેવની સાથે હું પણ દાક્તર કાકા કહેતો તેમનો મહાદેવ પ્રત્યેનો પ્રેમ અને મમતા એટલાં હતાં કે સને ૧૯૨૦માં જ્યારે મહાદેવને આશ્રમમાં ટાઈફૉઈડ થયેલો ત્યારે સુરતથી આશ્રમમાં આવીને દોઢેક મહિના રહેલા અને દવા આપવા ઉપરાંત જાતે સેવા ચાકરી પણ કરતા.)

દિહેણમાં થયેલું સંસ્કારસિંચન

એટલામાં દિહેણ ગામમાં ગામના જ એક વતની, નૉન–મૅટ્રિક શ્રી મણિશંકર નામના ઔદીચ બ્રાહ્મણે અંગ્રેજી નિશાળ કાઢી. પોતાના જ ગામમાં નિશાળની સગવડ થઈ