પૃષ્ઠ:Mahadevbhai nu poorvacharit.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોઈને જ થથરતા. જોકે એમને આ માસ્તરનો માર ખાવાનો પ્રસંગ કદી નહીં આવેલો. આ માસ્તર અંગ્રેજી ત્રણ ધોરણ સુધીના ત્રણે વર્ગો સાથે ચલવતા. મહાદેવ પહેલા ધોરણમાં હતા ત્યારે પોતાના પાઠ તો એમને આવડતા જ પણ તે ઉપરાંત બીજા અને ત્રીજા ધોરણના પાઠો ચાલતા સંભળાય તે ઉપરથી બીજા અને ત્રીજા ધારણના પાઠો તે તે ધોરણના વિદ્યાર્થીઓ કરતાં પણ સારા આવડતા. એટલે શિક્ષક એમના ઉપર બહુ પ્રસન્ન રહેતા. પાછળથી જ્યારે મહાદેવભાઈ અંગ્રેજી ભાષા અને સાહિત્યના વિદ્વાન તરીકે પ્રસિદ્ધિ પામ્યા ત્યારે પોતે મહાદેવને અંગ્રેજી ભણાવવાનો આરંભ કરેલો તેનું બહુ અભિમાન લેતા. મહાદેવ પણ તેમના પ્રત્યે હમેશાં કૃતજ્ઞતાભાવ રાખતા. પોતાની કોઈ પણ ચોપડી તેમને ભેટ મોકલવાનું ચૂકતા નહીં. પોતે સંપાદન કરેલી ‘અર્જુનવાણી’ ભેટ મોકલેલી તેમાં લખેલું: ‘આંગ્લભાષાના આદ્યગુરુને સપ્રણામ ભેટ’. ઉત્તરાવસ્થામાં શ્રી મણિશંકરભાઈ રાંદેર રહેવા ગયેલા. મહાદેવને સુરત જવાનું થાય ત્યારે ઘણું ખરું રાંદેર જઈ તેમને મળી આવતા. આ નિશાળ શ્રી મણિશંકરભાઈ એ લગભગ ત્રીસ વર્ષ ચલાવી એટલે એ નિશાળ અને એના માસ્તરને જોવાનો લાભ મને પણ મળેલો. એક વખત હું દિહેણ ગયેલો અને માસ્તરને ખબર પડી કે મહાદેવનો એક દોસ્તદાર અમદાવાદથી આવ્યો છે એટલે એમણે અંગ્રેજીનો વર્ગ બહુ ચગીને લીધેલો. કેટલાક અંગ્રેજી શબ્દોની વ્યુત્પત્તિઓ મહાદેવ પાસેથી જ જાણી હશે તે વિદ્યાથીઓને સમજાવવા માંડી

૧૧