પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
સાધ્વી એનિટા

સહીસલામત કિનારે આવ્યાં. ગેરિબાલ્ડીને એક માઈલસુધી એ દિવસે તરવું પડ્યું હતું. પોતે બચ્યા એટલું જ નહિ પણ તરતી વખતે એમના દીઠામાં લાકડાનાં પાટિયાં આવ્યાં તેને ધક્કા મારીને પાછળ ઠેલ્યાં કે પોતાના સાથીઓ એમનો આધાર લઈને બચી જાય. આ પ્રમાણે જળસમાધિમાંથી રક્ષણ પામીને ગરિબાલ્ડી સેઇન્ટ કેથેરાઇન નામના પ્રદેશમાં પહોંચ્યા. એ પ્રદેશના લોકો તેમની દુર્દશા જોઈને એમને મદદ આપવા લાગ્યા. એક માણસે એમને બેસવાને સારૂ ઘોડો ભેટ આપ્યો. ગેરિબાલ્ડી ઘેાડા ઉપર સવાર થઈને પાસેના ખારા નામના ગામમાં ગયા. ત્યાં એમણે એકાંતમાં એક ઘર જોયું. નદીની એક ક્ષીણ ધારા એ મકાનની પાસે થઈને વહી રહી હતી. એ ઝુંપડીની ચારે તરફ પહાડ હતા અને પાસેજ એક નાનું સરખું જંગલ હતું. ઘરધણીએ ગેરિબાલ્ડીને જોતાંવારજ પોતાના ગરીબડા ઘરમાં પધારવાની વિનતિ કરી. એ મનુષ્યની સ્ત્રી, બે પરમ રૂપલાવણ્યવતી અને અલૌકિક ગુણવતી કન્યાઓને મૂકીને મરી ગઈ હતી. એ બે છોકરીઓમાં નાની વધારે સારી હતી. એનો વીણાને પણ લજવે એવો સ્વર, પૂર્ણ યૌવનપ્રાપ્ત શરીર, ઉજ્જ્વલ તારાઓના જેવાં નેત્ર, સુંદર દેહકાંતિ અને કોમળ સ્વભાવ જોતાંવારજ એમ લાગતું કે કોઈ દેવકન્યા શાપભ્રષ્ટ થઈને આ પૃથ્વીમાં અવતરી છે. વિધાતાએ જાણે ગેરિબાલ્ડીનો ઉત્સાહ વધારવાને માટેજ આ સર્વગુણસંપન્ન રમણીને મોકલી હતી. મોહક કાંતિ અને કોમળ સ્વભાવની સાથે સાથેજ એનામાં દુષ્ટોનું દમન કરવા જેટલા તેજ અને અસાધારણ વીરત્વનું અપૂર્વ સંમિશ્રણ હતું. આ બંને ગુણો એકસાથે ઘણી થોડીજ સ્ત્રીઓમાં હોય છે.

ગેરિબાલ્ડી અને એનિટાની ચાર આંખ થતાંજ બંનેએ એકબીજાને પોતપોતાના હૃદયમાં સ્થાન આપી દીધુ. કેવું વિચિત્ર મિલન હતું ! ગેરિબાલ્ડી ક્યાંનો રહેવાસી અને એનિટા ક્યાંની રહેવાસી ! ક્યાં થોડાક જ દિવસ ઉપર ગેરિબાલ્ડી મેાતના મુખમાં ફસાયો હતો અને ક્યાં આ સુખદ મેળાપ ! ! ઈશ્વરેજ બંનેને એકબીજાને માટે નિર્માણ કર્યાં હતાં, એટલે કોઈ ને કોઈ પ્રકારે એમનો મેળાપ અનિવાર્ય હતો. પ્રથમ દષ્ટિએજ બંનેએ એકબીજાને આત્મસમર્પણ કર્યું અને હૃદયથીજ તેઓ એકબીજાને વર્યાં. જે ગાંધર્વ પ્રથાનુસાર અર્જુન અને સુભદ્રા, શ્રીકૃષ્ણ