પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૦
પરિશિષ્ટ

ફરીથી હલ્લો કર્યો, પણ તે હારી. આ બે હલ્લામાં ઘણો વખત ચાલ્યો ગયો. દરમિયાન અંગ્રેજો વેનીટીથી જોનની સામે આવતા હતા, પણ જોનના બંદુકવાળાઓએ તેમને અટકાવ્યા. જોન સિપાઈઓને હિંમત આપતી હતી. તુરતજ મોરગી જોનને તાબે થયું. ત્યારપછી તે જમણી તરફ વળી, અને ક્લેરોઇક્સ ઉપર હલ્લો કર્યો. લડાઈ ખૂબ સખ્ત ચાલી. વિજય કોને મળશે, એ ધારી શકાતું નહોતું; પણ એકાએક અમારા લશ્કરમાં ભય પેઠો તેનું કારણ હજીસુધી ચોક્કસ રીતે જણાયું નથી. કેટલાક કહે છે કે, તોપચીઓ બીજી બાજુ વળ્યા અને લશ્કરે ધાર્યું કે, અંગ્રેજો આપણને ઘેરી લે છે; કેટલાક એમ પણ વાતો કરે છે કે, લશ્કરનાં પાછળનાં માણસો જોનને ન જોવાથી તેને મરી ગયેલી ધારતાં હતાં. ગમે તેમ હોય, પણ અમારા સિપાઈઓ બ્હીને નાઠા. જોને તેઓને એકત્ર કરવા પ્રયત્ન કર્યો, પણ આ વખતે તેનું ધાર્યું થયું નહિ. જોનના વિશ્વાસુ સેવકોએ તેને નાસવા વિનતિ કરી, પણ તેણે ના પાડી. તે થોડાક માણસોને લઈ શત્રુઓની વચ્ચે કૂદી પડી. તુરતજ બંન્ને બાજુથી તેને ઘેરી લેવામાં આવી. તેના અંગરક્ષકો એક પછી એક ઓછા થવા લાગ્યા, અને પોતે પણ ઘવાઈ. ઘોડા ઉપરથી તેને નીચે ઘસડી લાવવામાં આવી. ડ્યુક ઑફ બરગન્ડીની છાવણીમાં તેને લઈ ગયા, દુશ્મનોના હર્ષનો તો પારજ રહ્યો નહિ. કેમકે હવે જોન ઑફ આર્ક તેઓના તાબામાં હતી !

તુરતજ ચારે તરફ આ ખબર ફેલાઈ ગઈ. એક માણસના મોઢામાંથી બીજાને, બીજાનામાંથી ત્રીજાને – એમ આખા દેશમાં આ વાત પસરી ગઇ. જ્યાં જ્યાં આ સમાચાર સંભળાતા, ત્યાં ત્યાં લોકો હબકી જતા. જોન ઑફ આર્ક કેદી ? એ કેમ બને ! પ્રભુ તેને કેમ કેદમાં પડવા દે ? લોકો બહુ મહેનતે આ વાત માનતા. ફ્રાન્સના ખેડુતવર્ગમાં કેટલો શોક ફેલાયો, તેનો ખ્યાલ તમે કરી શકશો ? નહિ ! કોઈ તે ન કરી શકે. બિચારા ગરીબ ખેડુતો ! તેઓ પોતે પણ ખ્યાલ ન કરી શકે, પણ તે શોક તેઓના વદનમાં સ્પષ્ટ હતો. આખી પ્રજા દુઃખમાં ડૂબી ગઇ હતી.

ચોવીસમી મેનો આ દિવસ હતો. દુનિયાના નાટકના તખ્તા ઉપર જોનના આ વિચિત્ર, કરુણાજનક અને અદ્‌ભુત વીરરસથી ભરપૂર નાટકનો આપણે આજ પડદો પાડીશુ. જોન ઑફ આર્ક હવે કોઈ દિવસ કૂચ નહિ કરે.