પૃષ્ઠ:Mahan Sadhvio.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૨
પરિશિષ્ટ

હતા, તાબે કર્યા હતા; અને ફ્રાન્સને માન આપતાં શીખવ્યું હતું. આ જોન ઑફ આર્કને રાજકુટુંબના ફ્રેન્ચ કુંવરે ફ્રેન્ચ પાદરીને વેચી અને આ સઘળો વખત ફ્રેન્ચ રાજા તથા ફ્રેન્ચ પ્રજા ચૂપચાપ રહ્યાં. તેઓ ઉપકાર ન સંભાળતાં કંઇ પણ બોલતાં નહેાતાં.

અને તે – તે શું બોલી ? કંઈ નહિ. તેણે એક પણ ધિક્કારનો શબ્દ ઉચ્ચાર્યો નહિ. તેનો આત્મા મહાન હતો; તે જોન ઑફ આર્ક હતી. બીજા તે બીજા, અને જોન તે જોન !

તેના ઉપર મુકદ્દમો ચલાવવા માટે રાઉન શહેર મુખ્ય મથક રાખવામાં આવ્યું. જોનને ત્યાં ૧૪૩૦ ના ડિસેમ્બરમાં લઈ જઈને કારાગૃહમાં પૂરવામાં આવી. હા ! તેને સાંકળ પહેરાવવામાં આવી હતી, જોન ઑફ આર્કને – તે કલ્લોલતા પંખીડાને !

તોપણ હજી ફ્રાન્સ ઉઠ્યું નહિ. જોનની સરદારી નીચે જે ફ્રાન્સબળ જમ જેટલું હતું, તે જોનવિહોણું ફ્રાન્સ હવે બકરું બની ગયું હતું. જ્યારે જોન ગઇ ત્યારે બધું ગયું. તે તેઓના હૈયાને પીગળાવનારો સૂર્ય હતો; તે પ્રભાકર આથમ્યો એટલે બધું ઠંડુગાર હીમ જેવું થઈ ગયું.

(૨)

કેસનો દિવસ પાસે આવતો હતો. બે મહિના અગાઉથી કોશન જ્યાં જ્યાં જોનની વિરુદ્ધ મુદ્દાઓ હોય, તે મેળવવામાં રોકાઈ રહ્યો. જોનના પક્ષમાં જે બાબતો હોય, તે એ દબાવી દેતો. પોતાનો પક્ષ પ્રબળ બનાવવા તેની પાસે ઘણાં સાધન અને ઘણા અધિકાર હતા, અને તે વાપરવામાં તેણે કશી પણ કચાશ ન રાખી.

આ તરફ મુકદ્દમા વખતે કિલ્લામાં પૂરવામાં આવેલી જોનને માર્ગ દર્શાવનારો કોઈ પણ મિત્ર નહોતો. તેના બચાવને અર્થે કોઈ પણ સાક્ષી નહોતો. જે હતા તે ફ્રેન્ચ વાવટા નીચે હતા, અને આ દરબાર તો અંગ્રેજોની હતી. રાઉનના દરવાજે કોઈ મોં દેખાડે તો તુરતજ તેને ફાંસી દેવામાં આવે તેમ હતું; તેથી કેદીનેજ પોતાનું સાક્ષી બનવું પડ્યું. કચેરી બેઠી તે પહેલાં જ તેને માટે મૃત્યુની સજા તો મુકરર થઈ ચૂકેલી હતી.

જોનની ઉંમર એકવીસની અંદર હતી; અને તેથી કાયદાકાનુનો પ્રમાણે તેને સલાહ આપવા, કૉર્ટ ઉત્તર માગે ત્યારે ઉત્તર આપવા અને યુક્તિ પ્રયુક્તિથી સામાવાળા તેને દાવપેચમાં લે તો તેનાથી તેનો બચાવ કરવા જોનને કોઈ બાહોશ ધારાશાસ્ત્રીને