પૃષ્ઠ:Mansaina Diva.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી હવા
૧૫૧
 

બાકીનાં સર્વ સમજી જાય કે કશીક મુશ્કેલી છે, અને શાન્તિથી—પૂરાં ખાઈ રયાં હોય તેવી રીતથી—ઊઠી જાય; એટલું જ નહિ પણ પાછળથી કોઈ કદી બીજાને વાત પણ ન કહે કે શી શંકા ઉપરથી ભૂખ્યાં ઊઠ્યાં હતાં."

ગુજરાતની ચોરડાકુ ગણાતી આ ખમીરવંત કોમની આટલી ઊંચી ખાસિયતો અવલોકતો હું મહારાજની સાથે આગળ વધું છું, અને મહીના કાંઠા તરફ જાઉં છું. મહીનાં કોતરો જોવાં છે, મગરો જોવા છે અને એ પાણી જોવું છે કે જે નથી તીર્થોદક, નથી પીવાના પણ ખપનું, નથી નહાવાને પાત્ર, છતાં જેના સોગંદ આ મહીવાસીઓ પર ગીતાના સોગંદ જેટલી અસર ધરાવે છે.

'ખા મહીના.'

'પી મહી !'

—એ છે કોઈ પણ ગુનો કરનારને મનાવવાનો મંત્ર. એણે ગુનો કર્યો હશે તો કદી મહીના (સોગંદ) નહિ ખાય, કદી મહી —એટલે મહીના પાણીની અંજલી—નહિ પીએ. ગુનો કબૂલ કરી દેશે, જેલમાં જવા—ફાંસીએ જવા—તત્પર થશે, પણ મહીના નામને નહિ લોપે.

એટલા માટે થઈને મહીના પાણીનો બાટલો સરકારી અદાલતમાં રાખવામાં આવે છે !

આ રામા દેવાનો 'એંહ ! અંઈ કાળજું બલે છે, હો !' એ બોલ પકડીને હું બોચાસણમાં સૂતો.


કરડા સેવક નથી


જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી 'ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચોક્કસ પ્રદેશો પૈકીના એકાદનું પર્યટન તો તેણે કર્યું હોવું જોઈએ.

૨૯ વર્ષની જૂની મારી 'બી.એ.' ની ઉપાધિને મેં આ પ્રવાસથી પાકી