પૃષ્ઠ:Mansaina Diva.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તીવ્ર પ્રેમ
૧૯૧
 

લોકો બૈરાં-છોકરાં સહિત એ ખંડેરો વચ્ચે ઊભાં છે. પાણી ચડતું જાય છે. ઉગાર નથી. મહારાજે લોકોને કહ્યું : “ખેતરમાં ચાલ્યા જાવ.”

“પણ અમારા માલથાલ ?”

“એની સંભાળ હું રાખીશ.”

ખેતરોમાં જવા માટે એક સાંકડી નાળ્ય હતી, તે છલોછલ, પ્રલયના કોગળા ઉડાડતી ધોધમાર ચાલી જતી હતી. ઊતરાય શી રીતે ? મહારાજે દોરડું મંગાવ્યું. પોતે એક કાંઠે એક છેડો બાંધી સામે કાંઠે તરી જઈ બીજો છેડો બાંધ્યો. ત્યાં તો દોરડા પર પાણી ચડી ગયું. પોતે વચ્ચે ઊભા રહ્યા, ને એક પછી એક માણસને દોરડાને ટેકે ટેકે પાર ઉતરાવતા ગયા. સૌ ક્ષેમકુશળ કાંઠે ઊતરી ગયાં તે પછી પોતે ગામમાં ચોકી કરવા રાત બધી ઊભા રહ્યા. મહારાજ ન હોત તો લોકોનો બચાવ ઈશ્વરના હાથની જ વાત બની જાત.

વળતે દિવસે પોતે ગામના શેઠ ચુનીલાલના પાકા મકાનમાં ચાલ્યા ગયા. પાણીનો પ્રલેકાર ઓછો થતો ગયો. ચાર દિવસે વરુણદેવે પ્રકોપ શમાવ્યો. પાંચમે દિવસે એ શેઠનો માણસ, જે બંધાણી હતો, તે અફીણ લેવા ખંભાતના કાંધરોટી ગામે ગયેલો, તેણે પાછા આવીને વાત કરી :

“કાંધરોટી વગેરે ગામનાં લોકો કહે છે કે, અમને બધાંને તો મહારાજે બચાવ્યાં ! - નહીં તો અમારો નાશ થઈ જાત. શી રીતે બચાવ્યાં ? તો કહે કે, 'મહારાજ કાંસા (પાણીનો જબરદસ્ત મોટો વોંકળો) પર થઈને પાણી માથે હીંડતા હીંડતા આવ્યા તે અમોએ દીઠા : પાણી પર હીંડતા આવે છે : ફક્ત ટોપી પલળેલી, લૂંગડાં તો તદ્દન કોરાં. આવીને અમને કહે કે બીશો નહીં, કંઈ નહીં થાય ટેકરા પર ચડી જાવ. એમ હિંમત આલીને પાછા પોતે પાણી પર હીંડતા હીંડતા ચાલ્યા ગયા.' ને એ લોકો તો અહીં મહારાજને પગે લાગવા આવનાર છે !”

શેઠ કહે : “હેં મહારાજ ! સાચી વાત ?”

“શાની - ધૂળની સાચી વાત ?” મહારાજે હસતે હસતે કહ્યું :