પૃષ્ઠ:Mansaina Diva.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
માણસાઈના દીવા
 

અરજીઓ કરાવતા આવે છે : અને કોઈ કોઈ ગામે સ્થિર થાણું નાખી બેઠા બેઠા રેટિયો ફેરવે છે. પોતે ગોર છે; યજમાનોને એણે કદી સામે જઈને પૂછ્યું નથી કે, 'ચોરીલૂંટો કરો છો ? શીદ કરો છો ?' પણ યજમાનોએ જ આગળ આવીને જ્યારે જ્યારે ગોર મહારાજને ખોળે પેટનાં પાપ નાખ્યાં છે, તે તે વેળાએ એણે એક જ પ્રવૃત્તિ કરી છે : દોષિત યજમાનને દોરીને વડોદરાના પોલીસ–ખાતામાં સુપરત કરેલ છે; અને એને હળવી સજા કે નાના દંડોથી પતવી ભયાનક બહારવટાંને માર્ગેથી પાછા વાળેલ છે.

[૧]

એક નાનકડા સ્થિરવાસને એક દહાડે બોરસદ તાલુકાના કઠાણ ગામડામાં આ મહારાજ એક પરસાળે બેઠા બેઠા કાંતી રહ્યા હતા. ત્યારે એક પાટણવાડીઓ આવીને શાંતિથી પરસાળની કોરે બેસી ગયો. રેંટિયો ફેરવતા મહારાજે એ ખડોલના ખેડૂતને ઓળખી ખડોલ ગામનાં બૈરાં, છૈયાં, મરદો વગેરે સૌના ખબરઅંતર પૂછ્યા. પછી ચૂપચાપ રેંટિયો ગુંજાવતા રહ્યા. પેલો કંઈક કહેવા આવ્યો છે તે તો મહારાજે કળી લીધું; પણ સામેથી કોઈના પેટની વાત પૂછવાનો મહારાજનો રવૈયો નહોતો. પોતે જોતા હતા કે આવેતુની જીભ સળવળ સળવળ થઈ રહી હતી.

"મહારાજ, લગાર મારે ઘેર આવી જશો ?" છેવટે એ માણસે જ મોં ઉઘાડ્યું.

"કેમ, 'લ્યા ! શું કામ છે ?" મહારાજે બીજી પૂણી સાંધતે સાંધતે પૂછ્યું.

"જરા તમારું કામ પડ્યું છે. મારો સાળો પેલો ખોડીઓ છે ના, એને માથે લગાર ચાંદું પડ્યું છે; હીંડો."

માથે લગાર ચાંદું ! લોકોના રોગ–પારખુ મહારાજ સમજી ગયા. એણે પૂછ્યું : "ક્યો ખોડીઓ ?"

"કાવીઠાવાળો."

"વારુ ! જા; આજે તો નહિ આવું. બે દા'ડા પછી આવીશ."