પૃષ્ઠ:Mansaina Diva.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોણ ચોર ! કોણ શાહુકાર !
૬૧
 

મરદાઈનો પ્યાલો પાનાર આ 'ગાંધીનો ફોજદાર', આ 'નાના ગાંધી', જે દિવસે કાળુ ગામે લોકોને રામરામ કરીને પાછા પોતાને વતન પળતા હતા, તે દિવસે લોકોએ આડા ફરીને કહ્યું હતું કે, "નહિ જવા દઈએ." પોતે કહ્યું હતું કે, "હું ન રહી શકું." લોકોએ પૂછ્યું હતું કે, "શા સારુ ?" જવાબ મળેલો કે, "તમારે ને મારે હૈયા સરખો સંબંધ થયો; પ્રીત બંધાઈ, એટલે હવે તમારું દુઃખ મારાથી ન જોવાય."

"દુઃખ શાનું ?"

"તમે ચોરી કરો, દારૂ પીઓ; પોલીસ તમને પકડે, બાંધે, માર મારે, ગાળો દે : એ મારાથી ન જોવાય."

"તો ચોરી નહિ કરીએ, દારૂ નહિ પીએ; પણ તમને તો, નાના ગોંધી, નહિ જ જવા દઈએ !"

પછી ગામેગામ—કઠાણામાં, ખટલાશમાં ને સારોલામાં—લોકોને કહે મહારાજે જાહેરમાં દારૂ બાળ્યો હતો. ને એ દારૂના ભડકા ભોંયથી વેંત વેંતવા અદ્ધર બળ્યા હતા, તે પોતાને અત્યારે યાદ આવ્યા. એ ભડકાની સાથે બારૈયાઓએ ચોરી ન કરવાના સોગંદ લીધેલા અને એ ચોરી જેને ઘેર થાય તે આસામીએ પોલીસમાં ફરિયાદ ન કરવી એવો જે લોકસમસ્તે—વેપારીઓએ પણ—કરાર સ્વીકાર કરેલો હતો, તેનું આ પરોઢે તીવ્ર સ્મરણ થયું.

આ તો ફરિયાદ થઈ, એટલે અનેકને કેવળ શક પરથી જ ફોજદાર રંજાડશે, ગજવાં ખંખેરશે, ગાળો દેશે ને મારશે. સાચો ચોર કાં તો છટકી જશે—અને એ રીતે વધુ ગુનાઓ આચરતો થશે : અથવા સાચો દોષિત પકડાઈ જશે તો પણ સરકારી પદ્ધતિના બૂરા પ્રતાપે માનવતામાંથી ભ્રષ્ટ બની બેસશે. અને કોઈ નિર્દોષને જો પોલીસ સકંજામં લેશે, તો તો તેનું જીવન રસાતાળ જશે !

લોકોએ મહારાજને રોકી લીધા પછી ગુના નહોતા જ બનતા એમ નહિ; બનતા હતા. પણ એની તપાસ, ચોકસી, ધરપકડ, શિક્ષા, વળતર વગેરે બધું એક નોખી ઢબે થતું હતું. ભૂલ કરનાર કોઈ અનાડી બાળક