પૃષ્ઠ:Meerabai Lekhan.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તમે રે સોનુ ને અમે રાખ

તમે રે સોનુ ને અમે રાખ,
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ.
હેજી મારું મનડું ભૂલે છે એની જાત
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ.

સોનું અમને શોભે નહિ રાણા
અમારે તો જોઇએ તુલસીની માળા
હેજી એવી મમતા બળીને થઇ છે ખાખ
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ.

અંગે ભભૂતી ભરી તનને સજાવ્યું અમે,
રાખે રગડીને એવું મનને ઉજાળ્યું અમે
હેજી એવી ઝીણી ઝબુકે પ્રેમ આગ
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ.

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
સહેજે તરી ગ્યાં આ ભવસાગર
હેજી એવી આંખો બની છે પંડ પાથ
રાણાજી અમને રાખના મળ્યા છે સવા લાખ.