પૃષ્ઠ:Meghanini Navalikao2.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘર ખાલી કરાવે: પછી ચોરી ન કરે તો શું કરે ? સાલાઓ ! તમે એની જગાએ હો તો બીજું શું કરો ? જીવવાની - ગમે તેમ કરીને જીવવાની - આકાંક્ષા તો કુદરતનો સહુથી પહેલો ને પ્રબલ નિયમ છે. ઈસારીઓ બાપડો અબૂધ, એટલે પકડાઈ ગયો. હવે એ સાલા મૂડીદારોના કાંધિયા લોકો એને નીચોવશે ! સત્યાનાશ જજો આ સમાજનું ! ઠીક, ચાલો : તંત્રીની નોંધવાળા ફરમામાં જ આનું એક પાનું બનાવી કાઢો. આની એક ફક્કડ વાર્તા બનશે."

સામેના ટેબલ પર એક શિખાઉ બહેન ખબરપત્રીની ખુરશીએ કામ કરતાં હતાં, તેને તંત્રીજીએ કહ્યું : "તમે જાઓ : પહેલવહેલાં જે પચીસ લોકો મળે તેઓને પૂછી વળો કે, ’આપ ઈસારીઆને સ્થાને હો તો શું કરો ? આપ એને દોષ દો છો ? આપને એમ લાગે છે કે એને સજા થવી જોઈએ ? કારણ જણાવશો ?’ આ બધા જવાબો ટપકાવી લેજો, દરેક સજ્જનનું નામ લખી લેજો."

"નામ !" સ્ત્રી-ખબરપત્રીએ પૂછ્યું.

"કપાળ ! હા, નામઠામ ને ઠેકાણું પણ દરેકનું. એટલું તો સમજો કે આપણા છાપામાં સાચાં નામ વગરની કશી જ હકીકત આપણે છાપતાં નથી."

બહેન ઊપડ્યાં. વકીલોથી લઈને શેઠાણીઓ સુધી ઘૂમી વળ્યાં. એક મોટર-ડ્રાઇવરને પણ મળી લીધું. એમ પચીસને વિચારમાં નાખી દીધાં. આ કોયડો ભારી જટિલ હતો. ઘણાંખરાંએ ઈસારીઆને એક બેવકૂફી સિવાય અન્ય તમામ વાતે નિર્દોષ જાહેર કર્યો. કહેવામાં આવ્યું કે, કાં તો એણે કચ્ચાંબચ્ચાંનાં ખૂન કરીને પોતે આપઘાતનું શરણ લેવું હતું અથવા તો પછી કોઈ અનાથાશ્રમમાં ચાલ્યા જવું હતું.

આ રીતે, એ બનાવમાં તો રસની ઠીક-ઠીક જમાવટ થઈ પડી. અમારો અઠવાડિક અંક એ લેખને કારણે દીપી ઊઠ્યો; સર્વ અખબારો વચ્ચે અમારી નવીન જ ભાત્ય પડી. અમારા તંત્રીને થયું કે, ઈસારીઆના કિસ્સાને આ પછીના અંકમાં પણ નવીન સ્વરૂપે છેડવો. એણે મને બોલાવીને કહ્યું : "નગરના નામાંકિત પુરુષોની પિછાન-પોથી જુઓ : એમાંથી પચીસ નામ