પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મોત્સાર્ટ અને બીથોવન
 



ઑલ્મુટ્ઝ પહોંચ્યો, પણ છતાં નૅનર્લ અને મોત્સાર્ટ બંને શીતળાનો ભોગ બન્યાં જ. મોત્સાર્ટને તો નવ દિવસ સુધી આંખે અંધાપો રહ્યો ! રોગચાળો દૂર થતાં 1768ના જાન્યુઆરીની દસમીએ એ ફરીથી સહકુટુંબ વિયેના આવી પહોંચ્યો, પણ કોઈએ એને ભાવ આપ્યો નહિ. હરીફ સંગીતકારો મોત્સાર્ટનો પગપેસારો રોકવામાં ખાસ્સા સફળ થયા. છતાં, સમ્રાટની ઇચ્છાને માન આપીને મોત્સાર્ટે ‘લા ફિન્તા સેમ્પ્લાઈસ’ (The Sly Maiden – ખંધી છોકરી)*[૧] નામનો એક કૉમિક ઑપેરા (ઑપેરા બુફા) લખ્યો. પણ રાજવી થિયેટરના મૅનેજર (ઇમ્પ્રેસારિયો) ઐફિલિજિયો એની ભજવણી જુદાં જુદાં બહાના બતાવી એટલી બધી મુલતવી રાખતો ગયો કે એ માકૂફ જ રહ્યો ! મોત્સાર્ટનું નસીબ થોડું જોર કરતું હતું ખરું. એણે બીજો એક જર્મન કૉમિક એકાંકી ઑપેરા લખ્યો : 'બેસ્ટીન બેસ્ટીની'[૨]. આ ઑપેરા ડૉ. મેસ્મરના અંગત થિયેટરમાં ભજવાયો ખરો. શ્રોતાઓએ એને વધાવી લીધો. વિયેનાનિવાસ દરમ્યાન મોત્સાર્ટ ઘણા સંગીતકારોને મળ્યો અને ઘણુંબધું નવું સંગીત સાંભળ્યું. ગ્લક અને પિચિનીના સંગીતથી એ ખાસ પ્રભાવિત થયો. એ જ વર્ષે ડિસેમ્બરમાં લિયોપોલ્ડ કુટુંબને લઈને સાલ્ઝબર્ગ પાછો આવી ગયો. અહીં રાજા આર્ચબિશપના મહેલમાં 1769ની પહેલી મેના રોજ પેલા નહિ ભજવાયેલા કૉમિક ઑપેરા ‘લા ફિન્તા સેમ્પ્લાઇસ’(The Sly Maiden -ખંધી છોકરી)નો પ્રીમિયર શો થયો. રાજાએ ખુશ થઈને ‘કૉન્ઝર્ટમઈસ્ટર'ની પદવી મોત્સાર્ટને આપી ખરી, પણ તે પગાર વિના જ. ‘લા ફિન્તા સિમ્લાઇસ’નો લિબ્રેતો ગોલ્દોનીએ લખેલો. એના પ્રીમિયર શો અંગે શોક વ્યક્ત કરતો એક પત્ર લિયોપાલ્ડે એક મિત્રને લખેલો : “વુફીના ઑપેરા ‘લા ફિન્તા સિમ્પાઈસ’ વિશે હું શું કહું? સંગીતકારોની એક આખી જમાતે એક બાળકની ક્ષમતા


  1. *મૂળ કથા : કાર્લો ગોલ્દીની, લિબ્રેતો : માર્કો કોલ્તેની.
  2. ★ મૂળ કથા : ફ્રેંચ સાહિત્યકાર રોસોની ‘લે દેવીં દુ વિલાજ’. અહીં ગ્રામીણ છોકરા છોકરીની પ્રેમકથાનું આલેખન છે.