પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેનો બરડોય ભાંગી નાખ્યો છે. તને આપીને હું મૂર્ખાને અને મોંઘીને કેમ ગેરઇન્સાફ આપું?"

ધન્વંતરિ બોલ્યો : "મૂર્ખો તો ખરેખર મૂર્ખો જ છે. તે તો પરણવાનો ય નથી. તેને કોણ છોકરી આપશે? અને મોંઘીને તો ખાવું પીવું મળ્યું એટલે વાહ વાહ." પછી પોતાના ભાઈ તરફ જોઈને ધન્વંતરિ બોલ્યો: "મૂર્ખા, મને દાણામાંથી અરધોઅરધ નહીં આપે? હળ વગેરે હું માગતો નથી, અને જાનવરોમાંથી માત્ર પેલો કાબરો ઘોડો આપે એટલે થયું. તેને તું હળમાં તો નાખી શકે એમ નથી."

મૂર્ખાએ હસીને જવાબ દીધો : "ભલે ભાઈ, તું એમ રાજી થતો હોય, તો લઈ જા. હું વળી તેના બદલામાં વધારે મહેનત કરી લઈશ."

આમ ધન્વંતરિ પણ ભાગ લઈ ગયો. મૂરખરાજ ખેતરમાં પુષ્કળ કામ કરતો. બહેરી બહેન બને એટલી મદદ કરતી. બાપ અને મા તો ઘરડાં થયા હતાં, એટલે ખરું જોતાં ધન્વંતરિ અને સમશેરબહાદુરને આપવા જેટલું ઘરમાં રહેલ ન હતું. હવે તો મૂરખરાજની પાસે તો એક ઘરડી ઘોડી રહી. તેની પાસેથી લેવાય એટલું કામ લઈને આખો દહાડો ખેતરમાં મચ્યો રહેતો અને જેમ તેમ કરી માબાપનું, બહેનનું અને પોતાનું ભરણપોષણ કરતો.