પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂરખરાજે વિચાર્યું: "આ તે કેવું અજાયબ જેવું! મૂળિયું તો ક્યાંય દેખાયું નથી. પરંત પેલું હોવું જોઈએ." એમ કહી મૂરખરાજે હાથ ઊંડો નાખી આમતેમ ફેરવ્યો. અને જે હાથમાં આવ્યું તે પકડીને ખેંચી કાઢ્યું.એ મૂળિયાની માફક કાળું લાગતું હતું. પણ એના હાથમાં તે તરફડતું હતું.એ તો પેલો ગુલામ જ તો. મૂરખરાજ તેને હળની ઉપર ફેંકવા જતો હતો તેટલામાં ગુલામ બોલી ઊઠ્યો" "મને ઈજા ન કરશો. હું તમે જે કહેશો તે તમારે સારુ કરીશ."

મૂરખરાજે પૂછ્યું, "તું મારે સારુ શું કરી શકે છે?"

ગુલામે જવાબ આપ્યો, "જે તમે કહો તે."

મૂરખરાજે માથું ખંજવાળીને કહ્યુ : "મારા પેટમાં દુખે છે તે તું મટાડી શકે ખરો?"

ગુલામે જણાવ્યું: "એ હું કરી શકું છુ."

મૂરખરાજે જવાબ દીધો : "ત્યારે કર."

ગુલામે વાંકા વળી પોતાના પંજાથી ખોતરીને ત્રણ પાંખડીવાળું એક મૂળિયું ખેંચી કાઢ્યું અને તે મૂરખરાજને આપ્યું.

ગુલામે કહ્યું :"આ મૂળિયાની એક પાંખડી જે માણસ ગળી જાય તેને ગમે તે દરદ હોય તે મટે છે."