પૃષ્ઠ:Murakhraj ane tena Be Bhaio.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકાશકનું નિવેદન

ટૉલ્સ્ટૉયની સુપ્રસિદ્ધ વાર્તા – ધિ સ્ટોરી ઑફ ઈવાન ધિ ફૂલની આ ગુજરાતી અનુકૃતિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ટૉલ્સ્ટૉયનાં લખાણોનો તેમણે ઘણો અભ્યાસ કર્યો હતો. તેમાંથી તેમણે આ વાર્તાનો ગુજરાતી અનુવાદ કરી પુસ્તિકારૂપે પ્રગટ કરેલો. થોડાં વરસો પર સુરતના ગાંડીવ કાર્યાલયે તે પુસ્તિકા ભારતમાં પ્રકાશિત કરી હતી. તેમાં બાળકોને વાંચવામાં સરળતા રહે તે ખ્યાલથી ગાંધીજીની ભાષામાં ક્યાંક ક્યાંક ફેરફાર કરવામાં આવ્યા હતા. નવજીવન ટ્રસ્ટે આ પુસ્તિકામાં તેમની મૂળ ભાષા જાળવી રાખી છે. સૈન્ય અને ધનનાં બળો પરિશ્રમના તેજ આગળ કેવાં ઝાંખાં પડે છે તે પોતાની વિશિષ્ટ શૈલીથી ટૉલ્સ્ટૉયે બતાવી આપ્યું છે. ગાંધીજીએ સાદી અને સહેલી ભાષામાં અનુવાદ કર્યો છે, જેનો પૂરો લાભ એક બાળક પણ લઈ શકશે. ગાંધી-વિચાર સમજવામાં આ પુસ્તિકા ઉપયોગી સિદ્ધ થશે એવી આશા છે.

મૂળ રશિયન વાર્તાનું નામ ટૉલ્સ્ટૉયે નીચે મુજબ આપ્યું છે: धि स्टोरी ऑफ इवान धि फूल, ऍन्ड ऑफ हिझ टु ब्रधर्स, साइमन धि सोल्जर ऍन्ड तारास धि स्टाउट; ऍन्ड ऑफ हिझ डंब सिस्टर मारथा, ऍन्ड ऑफ धि ओल्ड डेविल ऍन्ड धि थ्री लिटल इम्प्स – મૂર્ખ ઈવાન ને તેના બે ભાઈઓ, સિપાઈ સાઈમન ને જાડિયો તારાસ, તેની મૂંગી બહેન મારથા, તેમ જ બુઢ્ઢો સેતાન અને તેના ત્રણ નાના ગુલામ.

૪–૭–’૩૬૪