પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિશા સમે તજિયો તે ઠામ, આવ્યો વજીર પોતાને ગામ;
પ્રથમ ઘેર રાજાને ગયો, પૂછી વાત ને સાચો થયો. ૪૫૫
સૂતા કે બેઠા છે રાય, ગયા વાડી કે છે ઘરમાંય;
ગયા એકઠા જુજવા વળ્યા, પાંચ દિવસ થયા નથી મળ્યા. ૪૫૬
મળ્યા વર્ણ અઢારે લોક, સહુકોને મન પ્રગટ્યો શોક;
આવ્યો અશ્વ વનથી રડવડ્યો, ધ્રાસ્કો પ્રજા સહુકોને પડ્યો. ૪૫૭
રાણી પુત્રે દુઃખ બહુ ધર્યું, જે કરવું ઘટતું કર્યું;
ચિત્તમાં ચિંતા વાધી ઘણી, આશા મૂકી રાજાતણી. ૪૫૮
વાટ જોતાં થયો એક માસ, મનસા સિદ્ધથી મૂકી આશ;
કાંઇક શોક કર્‌યો મન ત્યાજ, પછી પુત્ર બેસાડ્યો રાજ. ૪૫૯
મોટો વજીર ને નહાનો રાય, કારભર એમ ચાલ્યો જાય;
માળી આવ્યો પોતાને ઘેર, નિરખી પાપી પ્રધાનની પેર. ૪૬૦
સમજીને રહ્યા હૃદિયા સાથ, વાત ન સોંપી પરને હાથ;
મોટા જનની વતો ક્યમ કરું, શાને વણ ખૂટે હું મરું. ૪૬૧
ચેત્યો પોપટ પોતે મંન, પાપીએ માર્‌યો રાજંન;
શું કરું જે લૂણ જ ખાઉં, નહિ તો હમણાં કહેવા જાઉં. ૪૬૨
અનેક પાપ બીજાં છે ઘણાં, નથી કો લૂણહરામી સમાં;
એનું કર્‌યું ભોગવશે એહ, એહ વાતનો નહિ સંદેહ. ૪૬૩
એમ કરતાં સંવત્સર થયું, ત્યાર સૂધી સૌ છાનું રહ્યું;
કો કોને મોઢે નવ કહે, પાપ કર્‌યું કેમ છાનું રહે. ૪૬૪
છાનો ન રહે થયો પ્રભાત, છાની ન રહે પડે જે રાત;
છાનો ન રહે ખોદ્યો કૂપ, છાનો ન રહે પાપી ભૂપ. ૪૬૫
છાનું ન રહે દેહમાં દુઃખ, છાની ન રહે લાગી ભૂખ;
છાની ન રહે સ્ત્રીની પ્રીત, ઉત્તમ મધ્યમની એ રીત. ૪૬૬
છાનું ન રહે જે અમલ પીએ, છાનું ન રહે જે દાન દીએ;
છાની ન રહે વ્યસનીની જાત, છાની ન રહે ભીંતરની દાઝ. ૪૬૭
છાની ન રહે કીર્તિ કોઇતણી, છાની ન રહે વિદ્યા ભણી;
છાનો ન રહે દાતાર ને જાર, છાનો ન રહે રાગ ગાનાર. ૪૬૮
છાની ન રહે વાતો જે નવી, છાનો ન રહે કહેવાયો કવિ;
છાનો ન રહે કસબી જેહ, રુડો કેપછી ભુંડો તેહ. ૪૬૯