લખાણ પર જાઓ

પૃષ્ઠ:Narasinh lekhan 2.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ

ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ, 'ગરૂડ ક્યાં ગરૂડ ક્યાં?' વદત વાણી,
'ચાલ, ચતુરા ! ચતુર્ભુજ ભણે, ભામિની ! નેષ્ટ નાગરે મારી ગત ન જાણી - ઉધડકી. ૧

ચીર -છાયલ ઘણા, વસ્ત્ર વિધવિધ તણા, એક પેં એક અધિક જાણો,
સ્વપ્ને જે નવ ચડે નામ જેનું નવ જડે, અંગ આળસ તજીને રે આણો. - ઉધડકી. ૨

હેમ હાથ - સાંકળા, નંગ બહુ નિર્મળા, સુભગ શણગાર અંગ સોહે સારો.
રીત એ ભાતમાં રોકડ રખે વિસરો, દીન થઈ કરગરે દાસ મારો. - ઉધડકી. ૩

ઈન્દ્ર બ્રહ્મા જેને સ્વપ્ને દેખે નહીં, તે 'માગ રે માગ' વદત વાણી,
નરસૈંયાનો નાથ લક્ષ્મી સહિત આવિયો અણગણી ગોઠડી અનેક આણી. - ઉધડકી. ૪